પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૫

મોહની – દૂતીએ નાયકને નાયિકાની સ્થિતિવર્ણવી હતી તેવી અને કહ્યું હતું તેમ નવીનચંદ્રજીને ક્‌હેવા જેવી કે,

૧.[૧]“किं पृष्टेन द्रुततरमितो गम्यतां सा प्रिया ते
दृष्टा मार्गे दिवसमखिलं सास्त्रमेका मवैयम् ।
पान्थे पान्थे त्वमिति रभसोद़्ग्रीवमालोकयन्ती
दृष्टे दृष्टे न भवति भवानित्युदश्रुर्वलन्ती ॥"

ચંદ્રાવલી – ભક્તિમૈયા, તમારું લક્ષ્ય આમાં ક્યારે ગયું?

ભક્તિ૦– નવીનચંદ્રજી ગયા પછી મ્હારું લક્ષ્ય ખેંચાયું. હું એટલી જડ, બાકી તે નીચે ગયા અને અમે ઉપર આવ્યાં ને જુદાં પડ્યાં તે કાળે સૂર્યકિરણ અંધકારને શોધે તેમ મધુરીની દૃષ્ટિ નવીનચંદ્રજીના હૃદયને સ્પષ્ટ શોધતી હતી.

મોહની – એમ જ.

૨.[૨]"प्रणयप्रकाशनविदो मधुराः
सुतरामभीष्टजनचित्तहृतः ।
प्रजिघाय कान्तमनु मुग्धतर-
स्तरुणीजनो दृशइवाथ सखीः ।।"

ચંદ્રા૦– ભક્તિમૈયા, તમે નવીનચંદ્રજીના વૈરાગ્યની ને ગુણોત્કર્ષની કથા કરી અને ગુરુજીનો દુર્લભ પક્ષપાત જણવ્યો ત્યારે મધુરીની વૃત્તિ કેવી હતી?

ભક્તિ૦ – તેનાં ગુણ અને કીર્તિ સાંભળતાં તે સમાધિસ્થ જેવી થતી, અને તેનો વૈરાગ્ય સાંભળતાં વિચારમાં પડતી.


  1. ૧.પુછીને શું કામ છે? તું હવે સત્વર અંહીથી એની પાસે, ચાલ્યો જા ! ત્હારી તે પ્રિયાને મ્હેં આખો દિવસ માર્ગે કેવી રીતે રોતી દીઠી તે સાંભળ! જે જે વટેમાર્ગુ મળે તે તુંજ હઈશ એવું જાણી ચમકી ડોક ઉંચી કરી કરી તેને એ જોવા લાગતી હતી, અને જોઈ જોઈને તે તું નથી એવું સમજાતાં તરત આંસુભરી પાછી વળતી હતી. (પ્રકીર્ણ)
  2. ૨.અધિક મુગ્ધ તરુણીજન કાન્તની પાછળ પોતાની સહીએાને મોકલતી હોય તેમ પોતાની દૃષ્ટિઓને મોકલતી હતી; તે દૃષ્ટિ રૂપ સહીઓ કેવી હતી? મુગ્ધાના ગૂઢ પ્રેમને પ્રકટ કરવાની કળામાં પ્રવીણ, મધુર, અને મુગ્ધાના ઇષ્ટજનનું ચિત્ત સારી પેઠે હરી લેનારી - આ સહીઓ જેવી દૃષ્ટિઓને અથવા દૃષ્ટિરૂપ સહીએાને એ મુગ્ધાએ પ્રિયની પાછળ મોકલી હતી. (માઘ)