પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૫


મોહની– હરિણનું જોડું આપણી બુદ્ધિની સ્થૂલતાથી વિપન્ન ન થાય એટલું આપણે જોવાનું.

બિન્દુમતી– માશીમૈયા, મધુરી જાતે જ રાત્રિની વાટ જુવે છે એ પક્ષને ભુલશો નહી.

ચન્દ્રા૦– મને લાગે છે કે આપણો વિચારકાળ સમાપ્ત થયો, અને તમે જે વિચાર સિદ્ધ કરો છો તેનો આચાર શોધવો એટલું હવે બાકી રહ્યું. [૧]

મોહની– શો માર્ગ લેવો તે પ્રાતઃકાળે મ્હેં ગાઈ દીધું છે અને મધુરીનાં આંસુએ એ ગાયનને ઝીલ્યું છે તે તમે પ્રત્યક્ષ કર્યું છે. કન્યા વર પાસે જાય કે વર કન્યા પાસે આવે. તે વિના તેમની હૃદયગુહાઓ ઉઘડવાનો સંભવ નથી.

ચંદ્રાવલી વિચારમાં પડી, અંતે બોલી, “ભક્તિમૈયા, આપણે તો માત્ર દૂતકર્મ હવે બાકી રહ્યું. બે પક્ષને સામાન્ય જન એ કામ ઉપાડનાર કોણ હશે?”

ભક્તિ૦– કોઈ નથી. નવીનચંદ્રજી માત્ર વિહારપુરી અને રાધેદાસની જોડે ફરે છે અને એકાન્તમાં ર્‌હેતા નથી. ગુરુજીની સાથે જ પ્રાયશઃ ગોષ્ટી કરે છે અને શય્યા પણ તેમની કુટીની પાસેની ગુફામાં રાખે છે. મધુરી તો જે ક્‌હો તે આપણે.

મોહની – બે દોરડાં સંધાડશો તો કુવામાં પ્હોચશે.

ચંદ્રા૦- કેવી રીતે ?

મોહની – નાયિકાના કર તમે ઝાલો અને નાયકનો વિહારપુરી ઝાલે.

ભક્તિ– પણ વિહારપુરીનો કોણ ઝાલે?

મોહની– દયા અને સ્નેહ બે છુટા પડેલા હાથને પરમાર્થસાધન માટે એકઠા કરે ત્યારે ચંદ્રાબ્હેન, નવીનચંદ્રજી ઉપર ગુરુજીનો પક્ષપાત સાર્થક થશે તો વિહારપુરી વિહારમઠમાં આવી શકશે; અને નવીનચંદ્રજી વિહારમઠમાં આવશે તો વિહારપુરી ગુરુજીની વાસનાને તૃપ્ત કરશે. જે પરિણામ થશે તેમાં તમારી ઇષ્ટાપત્તિ છે. માટે આ બે હરિણયુગને યોગ કરો. તમારા વિના તેમ કરવા બીજું કોઈ સમર્થ નથી.

ભક્તિ – તમે બે જણ થઈ ઉભય પક્ષનાં મર્મસ્થાન સંગ્રહી શકશો, ઉભય પ્રતિ ઉદાર છે, અને મધુરીને તમારા ઉપર વિશેષ વિશ્વાસ છે.


  1. ૧. यदुभयोः साधारणमुभयत्रोदारं विशेषतो नायिकायाः सु:विस्रब्धं तत्र दूतकर्म ॥ (કામતંત્ર.)