પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૦


ચન્દ્રાવલી બેઠી હતી ત્યાં જ આંખો મીંચી વિચારમાં પડી. એના હૃદયમાં બળવાળા ધબકારા થયા અને તેનો વેગવાળો સંચાર એના વક્ષઃસ્થળ ઉપરના વસ્ત્રમાં સર્વેયે દીઠો. એના નેત્રમાં અશ્રુપાત થઈ સુકાયો. અંતે ઉંચું જોઈ બોલી.

“મધુરી, ચન્દ્રાવલી ત્હારી દૂતી થશે. ત્હારે માટે મ્હારા વ્રતને હું ભયમાં નાંખીશ. માજીને પુછીને તને મોકલી છે ને હું આવી છું - તે માજી જ મ્હારા વ્રતનું રક્ષણ કરશે અને ત્હારું સુખ સાધશે. મોહની, ત્યારે કહી દ્યો કે મ્હારે હવે શું કરવું ?”

મોહની – આજ ગુરુજી સાધુજનની નિરીક્ષા કરવા આવે ને રાત્રે યમુનાકુંડ પાસે રાસલીલા થાય તે કાળે અમે મધુરીને લઈને જઈશું, નવીનચંદ્રજીને શોધી વાર્તાવિનોદ કરીશું, અને તે આઘા પાછા હશે ત્યારે મધુરી, સાથે વિનોદ કરીશું. ચન્દ્રાવલી, તમારે તે સર્વનાં માત્ર મૂક સાક્ષિ થવું અને મધુરી સાથે રાત્રે એકાંત સુવું અને એકાંતમાં તેનું હૃદય ઉઘાડવું થોડીવાર બિન્દુમતીને એની વાતોમાં ભળવા દેવી. એ સર્વ પ્રકરણનો સાર પ્રાતઃકાળે વિહારપુરીને તમારે એકાંતમાં કહી દેવા અને તેમનો અભિપ્રાય લેવો. તેઓને નવીનચન્દ્રજીનાં ઇંગિતજ્ઞ થવા દેવા અને કાલથી નવીનચન્દ્રજી ગુરુજીની ગુફા છોડી અન્યત્ર કોઈ ગુફામાં કે કુંજમાં એકાંતવાસ રાખે અને રાત્રિયે એકાંત રાખે એટલી વ્યવસ્થા વિહારપુરી દ્વારા કરવી. પછીની પરિપાટી તમારા ચાતુર્યનું ફળ જાણ્યાં પછી થશે.

ચ્ંદ્રા૦- હું ધારૂ છું કે એટલું તો થશે, પણ હવે એવાં કાર્યમાંથી મ્હારી બુદ્ધિનો અભ્યાસ વિરત થયો છે અને તેમાં એ બુદ્ધિ બહુ ચાલે એમ મને વિશ્વાસ નથી.

મોહની – તેની કાંઈ ચિન્તા નથી. બીજું કાર્ય એ કે મધુરીની સંપ્રત્યયાત્મિક પ્રીતિનું આવરણ કેવી રીતે તોડવું એ તમે ગમે તો અમને સુઝાડો અને ગમે તો તમે જાતે તોડો.

ચન્દ્રા૦- જેમ શ્રી અલખ પરમ જ્યોતિનું દર્શન થતાં હૃદયના લખ ગ્રન્થિ જાતે ભિન્ન થાય છે ને સંશયમાત્ર છિન્ન થાય છે, તેમ અલખ મદનનો સૂક્ષ્મ અવતાર આમનાં હૃદયમાં સંપૂર્ણ કલાથી થશે તેની સાથે જ એની પ્રીતિના સંપ્રત્યય અને અભિમાનનાં તિમિર જાતે જ નષ્ટ થશે. માટે તેની ચિન્તા આપણે કરવાની નથી, આપણે તો ધર્મ આટલા જ બોધમાં છે કે