પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૩


સર્વ નિદ્રાવશ થયાં પણ કુમુદ અને તેના ઉપર વત્સલ થયલું મંડલ જાગૃત રહ્યું અને બીજો એક પ્રહર વાર્તામાં ગાળ્યો. તેઓ સર્વ મઠમાં આવ્યાં હતાં, પણ ચન્દ્રાવલી આવી ન હતી અને ભક્તિ અને વામની પણ છેટે છેટે તેની પાછળ પાછળ ગયાં હતાં. પ્રાતઃકાળ પ્હેલાં એક પ્રહર બાકી રહ્યો ત્યારે એ ધીમી ધીમી વાતો કરતાં પાછાં આવ્યાં અને મોહનીને એકાંત બોલાવી કંઈક વાત કરી તેઓ સમેત સર્વ નિદ્રાવશ થયાં. સૂર્યોદય પ્હેલાં તો રાસલીલા, ગુરુજીએ કરેલી નિરીક્ષા, મધુરીનું જોડેલું ગીત, નવીનચંદ્ર, આદિ અનેક વિષયોની વાતો સર્વ સ્ત્રીમંડળમાં ચાલી રહી, પણ આજ ભિક્ષાપર્યટણનો દિવસ હતો તેથી આ બહુ પ્હોચ્યું નહી અને કુમુદ નિદ્રામાંથી જાગી તે વેળાએ સર્વ મંડળ અલખ જગવવા નીકળી પડ્યું હતું અને બધો મઠ નિર્મક્ષિક થયો હતો. આખા મઠમાં માત્ર પોતે મોહની, ચન્દ્રાવલી, અને બિન્દુમતી રહેલાં કુમુદની ઉઘડતી અાંખને દેખાયાં. સ્નાનાદિ આટોપવામાં બિન્દુ કુમુદને કામ લાગી, અને સર્વ પ્રાતરાહિ્નકમાંથી પરવારી રહ્યાં એટલે મઠના દ્વારમાં અને તેના પગથીયાં ઉપર રહેલું મંડળ બેઠું અને ગોષ્ઠી કરવા લાગ્યું.

"બિન્દુ, આજ કીયા જ્ઞાનની ગોષ્ઠી કરીશું ?” મોહનીએ પુછયું.

“હું તો શ્રીકૃષ્ણ પરમાત્માને વરી છું તેને બીજું જ્ઞાન શું જોઈએ ? પણ રાધાજી જેવી પરાભક્તિનો રસ ઘટ થાય એવી કળા હોય તો બતાવો.” બિન્દુ બોલી.

મોહની – સ્થૂલ શરીરમાં સ્થૂલ કામ અને સ્થૂલ પ્રીતિની ઉત્પત્તિ છે. સ્થૂલ વિષયમાંથી સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ કામ, અને સૂક્ષ્મ પ્રીતિ એ ત્રણ અલખ ભાગને લખ કરવા, અને તેમાંથી અન્તે પરાભક્તિના અલખ અદ્વૈતને લખ કરવું અને અનુભવવું એ મહાકળા રસજ્ઞ દક્ષ સ્ત્રીના સૂક્ષ્મ દેહને સહજ છે.

બિન્દુ૦– તે કેમ થાય ?

મોહની – બે પુરુષોની અથવા બે સ્ત્રીયોની મિત્રતામાં સ્થૂલકામ હોઈ શકતો નથી, પણ સ્ત્રીપુરુષનો સમાગમ જન્મથી કે સ્થૂલ કામથી પ્રકટ થાય છે. માતાપુત્ર, ભાઈબ્હેન, આદિના સમાગમ જન્મથી પ્રકટ થાય છે. એથી સ્થૂલ પ્રીતિ મનુષ્યજાતિમાં થતી નથી અને થાય તો અનર્થ અને અધર્મ્યતાનું શિખર જ ગણવું. એવા સમાગમથી માત્ર સૂક્ષ્મ કામ અને સૂક્ષ્મ પ્રીતિ જ પ્રકટ થવી જોઈએ, જે સ્ત્રીપુરુષ આમ સૌંદર્યાદિથી સંબદ્ધ