પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૬

સ્થાન પ્રાપ્ત થતાં એ આનંદનો અનુભવ સાહજિક કળાથી પ્રાપ્ત થાય છે. એટલું જ નહી પણ સ્થૂલ પ્રીતિne વિયોગ અને મરણ બે શોકનાં કારણ થઈ પડે છે ત્યારે સૂક્ષ્મ પ્રીતિ તે કાળે પણ પૂર્વવત ભેાગ પામી શકે છે, કારણ એને સ્થૂલ શરીરની અપેક્ષા નથી. તેનાં દૃષ્ટાંત જોવાં હોય તો મ્હારા સ્થૂલ શરીરને વૈધવ્ય પ્રાપ્ત થયું છે ને ચન્દ્રાવલીને સ્થૂલ વિયોગ છે, છતાં મધુરી, તું જો કે અમારી સૂક્ષ્મ પ્રીતિ ઇંધન વિનાના અગ્નિ પેઠે અસ્ત થઈ નથી. પણ રત્નપ્રદીપપેઠે જેવી યોગમાં હતી તેવી જ વિયોગમાં, ઇંધનની અપેક્ષા વિના, હજી પ્રકાશમય છે.

ચન્દ્રા૦- મધુરી, ત્હારી પ્રીતિ પણ સૂક્ષ્મ છે.

કુમુ૦– માટે જ તે અંધકારમાં અખંડિત રહી છે ને નથી નાશ પામતી ને નથી નાશ પામવા દેતી ! અને માટે જ હું માજીના ચરણમાં સ્થૂલ શરીરને રાખી સૂક્ષ્મને ભટકવું હોય ત્યાં ભટકવા દેઈશ.

ચન્દ્રા૦- તું નિરાશ થઈ છે.

કુમુ૦– આશા નિરાશા છે ત્યાં નિરાશા જ આશા છે.

ચન્દ્રા૦- સ્થૂલ કામને સંયમમાં રાખી સૂક્ષ્મ કામના ભેાગની જ તને વાસના હોય તો તે ધર્મ્ય છે ને લભ્ય છે.

કુમુ૦- સ્થૂલ કામને હું દેખતી નથી ને સૂક્ષ્મ કામ દુઃખાગ્નિમાં સૂક્ષ્મતમ ભસ્મરૂપ થાય એવું માજી પાસે માગું છું.

ચન્દ્રા૦- દુલારી, જે મહાત્માને માટેની ત્હારી સૂક્ષ્મ વાસનાઓ શાંત થતી નથી તેને મ્હેં કાલ જોયા. વિષ્ણુદાસજી અને મધુરી ઉભયના પરમ પક્ષપાતનું એ ઉચિત સ્થાન છે તે તેની આકૃતિ ઉપરથી જણાય છે. आकृतिर्गुणान् कथयति॥

કુમુદ – હોય ત્હોયે શું ને ન હોય ત્હોયે શું ?

મોહની – એમ કેમ ક્‌હેવાય ? તમ જેવાના સૂક્ષ્મ કામ તૃપ્ત થાય તો તમને પણ કલ્યાણ ને જગતનું પણ કલ્યાણ.

કુમુદ - એ કલ્યાણ કરવાનો અધિકાર મધુરી જેવી ક્ષુદ્ર કીડીને કયાંથી હોય ?

મોહની – રાસલીલા ત્હેં જોઈ, પણ તેનું રહસ્ય તું ભુલી ગઈ. બિન્દુમતી, શ્રીકૃષ્ણના અધર ઉપર ચ્હડેલી મોરલીની વંશપ્રશસ્તિ કાલ ગવાઈ હતી તે ગા.

બિન્દુમતી ગાવા લાગી.