પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૯

મોહની – ચંદ્રાવલી જેવી પ્રવ્રજિતા જ્યારે દૂતી કર્મ કરશે ત્યારે અભિસરણ કરવામાં શરમાનારી તું તે કાણું વારું?

કુમુદ – શું ચંદ્રાવલીમૈયા દૂતી–કર્મ કરે છે? એ બોલો છો શું ?

મોહની – તું સાંભળે છે તે.

કુમુદ – કેવી રીતે ?

મોહની – રાત્રે વિહારપુરીને મળી આવ્યાં. નવીનચંદ્રજી ચંદ્રાવલીની વાર્તા સાંભળે એવો યોગ કરી વિહારપુરીજીએ પછી ભિક્ષાર્થે જવું અને પર્યટનકાળે એકાન્ત શોધી ગુરુજીની સંમતિ પણ માગી લેવી એટલી યોજના વિહારપુરીએ ને ચન્દ્રાવલીએ કરી છે તે યોજના પ્રમાણે ચન્દ્રાવલી નવીનચંદ્રજીને શોધવા અત્યારે ગયાં.

કુમુદના મુખ ઉપર વેદના અને ગુંચવારો જણાયો. “આ શું કર્યું બધું? મોહનીમૈયા, મને આ ગિરિરાજ ઉપરથી નીચે ઉતરવાનો માર્ગ બતાવો. મ્હેં નવીનચંદ્રજીનાં દર્શન કર્યા. હવે તેથી વધારે મ્હારે તેમને નથી મળવું.”

મોહની – ચન્દ્રાવલીની આજ્ઞા તોડવાનો તને શો અધિકાર છે ?

કુમુદ - મ્હારે પતિત નથી થવું.

મોહની – અયિ ધર્માભિમાનિની ! તું શું એમ સમજે છે કે પોતાના હૃદયને અને સૂક્ષ્મ અભિલાષોને જોખમમાં નાંખી, અંગારા ઉપર ચાલવાની છાતી ચલવી, ત્હારા ઉપરની પ્રીતિને લીધે, ચંદ્રાવલી જેવાં વિરક્ત સાધુજન વિહારપુરી પાસે રાત્રે એકાન્તે ગયાં હશે – ઉભાં હશે – તે સર્વ તને પતિત કરવાને માટે ? ત્હારો અને તેમનો પોતાનો ધર્મ તે શું ત્હારા કરતાં ઓછો સમજે છે અને ઓછો ઇચ્છે છે? એ બે મઠનું અધિષ્ઠાત્રીપણું આટલા દિવસ તેમણે એવી ધર્મનિપુણતાથી, કાર્યદક્ષતાથી, અને ઉદાત્ત સૂક્ષ્મ બુદ્ધિથી કર્યું છે કે પરમ પવિત્ર વિષ્ણુદાસજી બાવા પોતે એ ચન્દ્રાવલીના હૃદયમાં કંઈ વાસના થઈ જાણે તો વગરપ્રશ્ને તેને પવિત્ર જ માની લે એમ છે. એ ચન્દ્રાવલી તને અધર્મને માર્ગે રજ પણ સરવા દે એવી આશા જેવી વ્યર્થ છે તેમ તેવી ભીતિ અકારણ અને બાલિશ છે.

બિન્દુ૦ – મધુરીમૈયા, ત્હારાં સ્થૂલ સૂક્ષ્મ ઉભય શરીરનું સંપૂર્ણપણે રક્ષણ કરી ત્હારે અભિસાર કરવાનું થાય એવી જ યોજના થશે.

કુમુદ – જેને આવા સાધુજન આમ પૂજે છે, જેને એ સર્વ મહાત્માઓ વિરક્ત જાણી આનંદ પામે છે, જેની પવિત્ર સ્થિતિ તમે કાલે જ પ્રત્યક્ષ કરાવી,- તેને એ સ્થાનમાંથી હું ચલિત નહી કરું. ચંદ્રને જેમ દૂરથી જ જોઈ કુમુદ પ્રફુલ્લ થાય છે તેથી વધારે મધુરી નહી કરે.