પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૦


મોહની – ત્હારા જડ ચૂલ શરીરને એ જડ કુમુદ જેવું રાખજે અને ત્હારા સૂક્ષ્મ ચેતન શરીરને ચેતન સપક્ષ ચકોર જેવું કરજે. ત્હારા ચંદ્રના હૃદયમાં કોઈ ઉંડી વેદના છે એવું વિહારપુરી મૂળથી ધારે છે અને હવે તેમની કલ્પના એવી થઈ છે કે તે વેદના ત્હારે માટે જ હોવી જોઈએ. વિહારપુરીજીએ ત્હારા ચંદ્રના સંબંધમાં ચંદ્રાવલીને બે ત્રણ વાનાં કહેલાં છે તે સાંભળ.

૧.[૧]“रञ्जिता न ककुभो निषेविता
नार्चिषो वत चकोरचञ्चुपु ।
कष्टिमिन्दुरुदये निपीयते
दारुणेन तमसा बलीयसा ॥

“વળી બીજું કહ્યું છે કે–

૨.[૨]“यस्योदयेनैव दिशां प्रसादस्
तापापनोदोऽपि जगत्त्त्रयस्य ।
चकोरचञ्चुपुटपारणे तु
चन्द्रस्य तस्याति कियान प्रयासः ॥

“મધુરી, આ આશાના સુધાબીજનું પ્રાશન કર અને વિપરીતકારિણી મટી ઉચિતકારિણી થા અને સુન્દરગિરિના પુણ્ય આશ્રમના આશ્રયવડે સંસારની ભ્રષ્ટ વઞ્ચનાઓમાંથી મુકત થઈ શુદ્ધ ધર્મ અને રસની વૃદ્ધિને સ્વીકાર. એ સંપ્રદાય પ્રમાણે તે ત્હારું સ્થૂલ શરીર પણ ત્હારા પરિશીલક જને વનિત કરેલું છે, પણ ચંદ્રાવલીમૈયા ત્હારા ઉપર એટલાં વત્સલ છે અને સંસારીઓના ધર્મનાં સુજ્ઞ છે કે તેમણે ત્હારા સ્થૂલ શરીરને ત્હારા સંપ્રત્યયને વશ ર્‌હેવા દઈ માત્ર સક્ષમ પ્રીતિનો યોગ યોજ્યો છે. ત્હારા શરીરનો ઈશ જેને ગણવો હોય તેને ગણજે, પણ ત્હારા હૃદયનો ઈશ તો એક જ છે. એ હૃદયેશને અનુસરવું તેને તું અભિસરણ ક્‌હે કે અનુસરણ ક્‌હે પણ તે ત્હારો ધર્મ સૂક્ષ્મ છે તે પળાવવાને ચન્દ્રાવલીનું વિરક્ત ચિત્ત ચિન્તા કરે છે.”


  1. ૧.અરેરે! હજીતો ચંદ્રે દિશાઓ રંગી નથી કે ચકોરની ચાંચમાં પોતાનો પ્રકાશ સોંપ્યો નથી અને તેટલામાં જ આ દારૂણ અને વધારે બળવાળો રાહુ, ચંદ્ર ઉગતામાં જ, એને પી જાય છે.–(પ્રકીર્ણ)
  2. ૨.જેના ઉદયથીજ દિશાઓ પ્રસન્ન થાયછે અને ત્રણે ભુવનના તાપ શાંત થાય છે તે ચંદ્રને એક અપવાસી ચકોરના ચઞ્ચુપુટને પારણાં કરાવવામાં તે કેટલો પ્રયાસ પડવાના હતો? (પ્રકીર્ણ)