પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૨

ઉરાડ્યા, પર્વત નીચે સુરગ્રામની યાત્રામાં મ્હેતાજી અને તેનાં વર્તમાનપત્રોએ તો આના મસ્તિકમાં મધપુડોજ ઉરાડ્યો. કુમુદ, સૌભાગ્યદેવી, પ્રમાદધન, બુદ્ધિધન, લક્ષ્મીનંદન, સામંત, આદિના અને કૌટુમ્બિક સમાચાર, આદિ અનેક વસ્તુઓ વર્તમાન પત્રમાંથી જાણી લીધી હતી તેના દંશ મસ્તિકમાં લાગવા લાગ્યા. ગઈ કાલની રાસલીલાને અંતે કુમુદનું જોડેલું ગીત ગવાયું તેના અર્થભાનથી તે આ સર્વે વિચારો કરતાં કરતાં વચ્ચે વચ્ચે તે ચમકતો હતો.

“શું આ મધુર કોમલ કાન્તિવાળી મધુરી તે કુમુદ ? સુભદ્રાના મુખ આગળ કુમુદ ડુબી તણાયેલી માનચતુરને જડી નહીં, પણ નદીના મુખ આગળના બેટથી ચ્હઠીને અંહી આવેલી મધુરીની કાંતિ કુમુદ જેવી નથી ? અત્યંત દુ:ખથી એ ચિત્રની છાયા ઝાંખી થઈ છે પણ ઝાંખી ઝાંખી એ છાયામાંની રેખાઓ તો કુમુદની જ છે - कान्तिः सव पुरणाचित्रमालिना लेखाभिरुत्रीयते ॥*[૧] સુવર્ણપુર છોડ્યાને આંગળી વ્હેડે ગણીએ એટલા જ દિવસ થયા તેવામાં એની કાંતિ શું આટલી બદલાય ! પણ કાલના ગીતમાં તો નક્કી મ્હારા ઉપર જ કટાક્ષ છે અને તે મ્હારી રંક કુમુદના હૃદયમાંથી ન હોય તો બીજા કોના હૃદયમાંથી હોય ! અરેરે ! મ્હેં એને વૈધવ્ય પ્રાપ્ત કરાવ્યું ! એ નદીમાં પડી તે મ્હારે લીધે ! મ્હેં જ નાંખી ! મ્હેં જ નાંખી. હરિ ! હરિ ! હું જીવું છું ને એને અનિવાર્ય વૈધવ્ય પ્રાપ્ત થયું ! હું તો આ વિરક્ત ભેખને ધરવા લાગ્યો ! એને હવે સૌભાગ્યદેવી વિનાનું સાસરું સુનું ! એને તો પ્રમાદધન ગયાનું સ્વપ્ન પણ નહીં હોય ! એ સ્વપ્ન એને આવશે તો એને કેટલું દુઃખ પડશે ?- મ્હારાથી તે નહી જોવાય. જો એ કુમુદ જ હોય તો એને જાતે ગુણસુન્દરીને ત્યાં પ્હોચાડી આવીશ. સીતાને વનવાસમાં પ્હોચાડનાર લક્ષ્મણ પાછા સીતાને મળ્યા ત્યારે નમસ્કાર કરી બોલ્યા હતા કે “માતા, તમને આટલું દુઃખ દેનાર નફટ લક્ષ્મણ તમને નમસ્કાર કરે છે.” હું પણ ગુણસુંદરી પાસે આવાજ નફટપણાથી નમસ્કાર કરીશ ને દુઃખી કુમુદને તેમના હાથમાં મુકીશ ! જે મ્હોં કોઈને દેખાડવું જોઈએ નહીં તે ગુણસુંદરીની પાસે દેખાડીશ. નિર્લજજ નફટ દુષ્ટ સરસ્વતીચન્દ્ર ! એ જ હવે ત્હારું પ્રાયશ્ચિત્ત ! – પણ મધુરી તે કુમુદ ખરી ?


  1. *ચંડકૌશિક