પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૩


“ચંદ્રકાંત, મ્હારા કંપતા હૃદયને આધાર આપવાને અને આ ગુંચવારામાંથી મને મુક્ત કરવાને ત્હારી સાત્વિક બુદ્ધિનો ખપ છે, તું મ્હારે માટે ભટકે છે - હું તને શોધું છું - પણ હજી સુધી સંયોગ થતો નથી."

જે સાધુ ચન્દ્રકાન્તને મળ્યો હતો અને રાત્રે તેને પાછાં મળવાનો સંકેત કરી મળ્યો ન હતો તે સુન્દરગિરિ ઉપર પાછો આવ્યો હતો. પોલીસ પોતાના શોધમાં છે, પોલીસ પોતાની ગતિ તપાસે છે, અને પોતાની અને ચન્દ્રકાંતની વાતનો ને સંકેતનો પોલીસને પત્તો મળ્યો છે એટલું જાણતાં સાધુ સંકેત તોડી પાછો પર્વત ઉપર આવ્યો હતો અને નવીનચન્દ્રજીનું નામ અને સ્થાન પ્રકટ કર્યા વિના આ સંકેત સિદ્ધ થાય એમ નથી એવા સમાચાર સરસ્વતીચન્દ્રને તેણે કહ્યા હતા. ચાર પાંચ દિવસ વાત ત્હાડી પાડવી ને પછી યોગ્ય માર્ગે પાછી ઉપાડવી એવો માર્ગ સર્વેયે ફહાડ્યો. ચંદ્રકાંતના મેળાપમાં આમ વિલમ્બ થયો અને એનો ખપ તો આમ તીવ્ર થયો. વિચારમાં ને વિચારમાં તે શતપત્ર કમલનાં ભરેલા ઝરાના ઝીણા ગાનમાં લીન થયો. કોમળ ન્હાના ઘાસમાં એક વસ્ત્ર ઉપર તેની શયા હતી તેમાં હાથનું અશીકું કરી સુતો. ઉપરના વડની ડાળીએ લટકતી હતી તના ઉપર એની દૃષ્ટિ ઠરી. અને અંતે પાસે પડેલાં બે ચાર પુસ્તકો ઉપર એ દૃષ્ટિ જતાં ઉઠ્યો ને બેઠો થયો.

અલખ-મઠની પુસ્તકશાળાનાં સર્વ પુસ્તકોને સંગ્રહ એની દૃષ્ટિને સ્વાધીન કરી દેવામાં આવ્યો હતો. અલખમાર્ગના યોગીએ સર્વ ઐહિક આમુત્રિક વિષયોનાં શાસ્ત્રો જાણતા અને સંસાર જ્યારે એમ માને છે કે શાસ્ત્રોનો મ્હોટો ભાગ માત્ર વાંચવા સાંભળવાને છે અને આ કલિયુગમાં પાળવાને નથી, ત્યારે આ યોગીયો તે સુન્દરગિરિ ઉપર હજી સત્ય યુગ જ ગણતા અને જે કોઈ શાસ્ત્રને સ્વીકારતા તેના સર્વ ઉપદેશ પાળતા. પણ સંસારમાં શાસ્ત્રીઓ માત્ર પ્રાચીન શાસ્ત્રનાં લક્ષણ જુવે છે, ને તેમાંથી અનુકૂળ લક્ષણો સ્વીકારી, પ્રતિકૂળ લક્ષણને કલિયુગને નામે ત્યાગ કરવાનો – અને એ ત્યાગના વિષયમાં સંસારનાં અશિક્ષિત મનુષ્યોના સ્વચ્છન્દ આચાર પાળવાનો - માર્ગ આ શાસ્ત્રીઓ અનિન્દિત ગણે છે અને લોકસંગ્રહને અશાસ્ત્ર માર્ગે પ્રવર્તવા દે છે; ત્યારે આ યોગીયોનો સંપ્રદાય પ્રાચીન કાળથી એવો જ હતો કે જે લક્ષ્યથી શાસ્ત્રો અને તેનાં લક્ષણો બંધાયાં છે તે લક્ષ્ય ઉપર જ અનિમિષ સાત્વિક દૃષ્ટિ રાખી, પ્રસંગે પ્રસંગે લક્ષ્ય વસ્તુનું સિંહાવલોકન કરી, અલખ-અલક્ષ્ય-ના લખ પ્રવાહની ગતિ પ્રમાણે શાસ્ત્રોને અને લક્ષણોને ઉત્કર્ષ આપવો અને એ