પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૪

લખવિભૂતિના ઉત્કર્ષની મર્યાદામાં જે કાંઈ શાસ્ત્રશાસન આવે તે સંપૂર્ણ કળાથી પાળવાં. લક્ષ્યાલક્ષ્ય સંપ્રદાયનું કામતંત્ર પણ આ આધારે અને આ પ્રયોજને જ રચાયલું હતું. જેટલો રસ સરસ્વતીચન્દ્રને એ વાંચવામાં પડ્યો હતો તેથી અધિક રસ, એ તંત્રના આચાર વિહારમઠમાં પળાતા હતા તે જોવામાં, એને પડ્યો હતો. ગઈ કાલ વિષ્ણુદાસજી ત્રણે મઠની નિરીક્ષા કરવા ગયા હતા તેની સાથે એ પણ ગયો હતો, અને પરિવ્રાજિકામઠ તેમ વિહારમઠની યોજનાઓ આ દેશને માટે અપૂર્વ લાગી અને પાશ્ચાત્યદેશેમાં અનવસ્થિત લાગી, પણ યદુનન્દનના “ગ્રન્થભંડાર”માં દૃષ્ટિ પડ્યાથી એમ પણ સંભવિત લાગ્યું કે આ દેશના સૌભાગ્યકાળમાં આર્ય જનસમૂહની વ્યવસ્થા પણ કંઈક આવી જ હશે. એ કાળનું ચિત્ર આ કાળની સાથે સરખાવતાં એના હૃદયમાં આપણી અર્વાચીન સ્થિતિને માટે શોક ઉદય પામ્યો અને ભવિષ્યને માટે ભયચિત્ર પ્રત્યક્ષ થયું.

“કેટલો વિનિપાત ! જે દેશમાં આ શાસ્ત્ર રચાયાં અને પળાયાં તેમાં આજ કેટલી અધોગતિ છે ? અથવા એમ પણ કેમ ન હોય કે સુંદરગિરિ ઉપર જે વ્યવસ્થા સાધુજનો આમ અગ્નિહોત્ર પેઠે જાળવી રહ્યા છે તેવી વ્યવસ્થા આ વિશાળ દેશમાં જળવાઈ શકી નહી ? આ સ્ત્રીજનનાં કૌમારવ્રત અને વૈરાગ્ય, આ સાધુઓનાં સરલ ચિત્તનાં સંવનન અને રસોત્કર્ષ – એ સર્વ દિવ્ય પદાર્થ પાળનાર સાધુજનોની સાધુતા કે સરલતા આ વિશાળ લોકસમૂહમાં શી રીતે આવવાની હતી ? અને તે આવે નહી તો આ જ દિવ્ય પદાર્થો આ સંસારને વિષરૂપ કરી મુકે એમાં શી નવાઈ ? શું આ ઉત્કર્ષ અર્વાચીન કાળમાં ન આવી શકે? પાશ્ચાત્ય સંસારમાં એ ઉત્કર્ષનાં અમૃતફળ અને વિષફળ ઉભય છે – તે જોનાર ત્યાંના વિદ્વાનો અને રાજપુરુષો સ્વદેશી આચારવિચારનાં ચક્રની ચતુરતાથી ફેરવી શકે છે અને તેમના દેશીઓ તેમનામાં વિશ્વાસ રાખી શકે છે. ત્યારે પરદેશી વિદ્યાથી મોહિત ગણાતા વિદ્વાન દેશીઓ ઉપર અને પરદેશી રાજપુરુષોની ચતુરતા ઉપર આ દેશ શી રીતે શ્રદ્ધા રાખવાનો હતો ? જ્યાં સુધી દેશમાં આવી શ્રદ્ધા વિકાસ પામે અને શ્રદ્ધેય ગણાવા ઇચ્છનાર વિદ્વાનો અને રાજપુરુષો આ શ્રદ્ધાને યોગ્ય થાય – પોતાની શક્તિથી, વૃત્તિથી ઉદારતાથી અને પ્રયાસથી લોકની શ્રદ્ધાના સુપાત્ર બને ત્યાં સુધી સર્વ દેશોત્કર્ષની વાત વૃથા છે. શકુન્તલાના હરિણના હૃદયમાં દુષ્યંતે વિશ્વાસ ઉત્પન્ન કર્યો નથી ત્યાં સુધી એ હરિણ દુષ્યંતના હાથમાંનું કોમળ ઘાસ ખાવાનું નથી