પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૫

અને શકુન્તલા જે આપશે તે એ હરિણ ખાશે. મ્હારા વિદ્વાન ભાઈયો ક્‌હે છે કે જુના લોક અમારો ઉપદેશ સાંભળતા નથી અને પરાપૂર્વની રૂઢિથી ચાલે છે તે ખરું છે, પણ એ દોષ કોનો ? જુની રૂઢિઓ અનેક અનુભવોના માખણ જેવી છે તે આજ સુધી લોકહિતની પોષક ગણાઈ છે. તે ગણના ખરી કે ખોટી હો, પણ તેમના અને તેના ઘડનારા ઉપર લોકને દૃઢ પાયાવાળી શ્રદ્ધા છે અને પરદેશી રાજ્યકર્તાએ ઉત્પન્ન કરેલા દેશી પણ યુવાન્ વર્ગની બુદ્ધિ ઉપર તેમને વિશ્વાસ સ્વાભાવિક રીતે નથી. કાળબળે આજ નષ્ટ થતી આ રૂઢિઓને મ્હારા ભીરુ દેશી બાન્ધવો શાથી વળગી ર્‌હે છે ? ઓ મ્હારા અનેકધા દુઃખી દેશ ! ત્હારે માથે અનેક વાદળ તૂટી પડ્યાં છે, પડે છે ને પડશે. અને અમાવાસ્યાની ગાઢ અંધકાર ભરી રાત્રિ સર્વની દૃષ્ટિને નિષ્ફળ કરી દે છે તે કાળે, ઓ મ્હારા દેશ, ન્હાનું બાળક માતાને વળગે તેમ તું આ શ્રદ્ધાને વળગી ર્‌હે છે – એ શ્રદ્ધાના એક દીપથી જેટલું તું દેખે છે તેટલું આકાશમાં વસતા અનેક પરદેશી તારાઓના પ્રકાશથી તું દેખતું નથી, તો તે તારાઓનાં પૃથ્વીના કોઈ સરોવરમાં પડેલાં પ્રતિબિમ્બ જેવા મ્હારા વિદ્વાન ભાઈઓના પ્રકાશથી મ્હારો દેશ કંઈ જોઈ શકે નહી તો તેમાં શી નવાઈ છે ! એ શકુન્તલા જેવી ઓ રૂઢિ દેવી ! જેવી હું તને કુચ કરતી દેખું છું તેવો જ આ દેશને ત્હારાં વસ્ત્ર ખેંચી પકડી રાખતો દેખું છું એ દર્શન મ્હારું હૃદય વલોવે છે.

[૧]यस्य त्वया व्रणविरोहणमिङ्गुदीनाम्
तैलं न्यषिच्यत मुखे कुशसूचिविद्धे ।
श्यामाकमुष्टिपरिवर्द्धितको जहाति
सोऽयं न पुत्रकृतकः पदवीं मृगस्ते ॥

“ No doubt, we of the new generation have done nothing to deserve the confidence of our uneducated countrymen. We are only echoing voices that have come from the West! –'Tis a foreign voice reflected


  1. ૧ (હે શકુન્તલા !) આ મૃગનું બચ્યું ત્હારું બાળક જેવું ત્હેં કરી લીધેલું છેસામો (શ્યામાક) મુઠીએ મુઠીએ ખવડાવી ત્હેં એને મ્હોટું કરેલું છે, એના મુખમાં દર્ભનો કાંટો વાગ્યો ત્યારે ઘા રૂઝાડવા તેમાં ઇઙ્ગુંદીનું તેલ ત્હેં પુરેલુંછે; તે મૃગબાળક (અત્યારે તું જવા બેઠી ત્યારે સ્વાભાવિક પ્રીતિથી )ત્હારો માર્ગ રોકી બસે છે તે તે માર્ગને છોડતું જ નથી. ( શાકુન્તલ.)