પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૭


પામે છે, લોકકલ્યાણને પોતાની વિભૂતિ ગણે છે, અને પોતાના અને પારકાને એક ગણી પરમ – અલખમાં લીન થાય છે. विगतमानमदा मुदिताशयाः–તે આ લોક જ છે.”

“ જો મધુરી કુમુદ જ હોય તો આ કલ્યાણસ્થાનમાં આવી મહાત્મ પરિવ્રાજિકાઓમાં તેને પૂર્ણ શાંતિ મળશે અને તેટલા જ્ઞાનથી મ્હારું હૃદયશલ્ય શાંત થશે. મ્હારો અને તેનો સંસર્ગ ભયંકર છે – હવે તે દૂર જ રાખવો. પણ એ ઘેર જાય તે ઠીક કે અંહી ર્‌હે તે ઠીક ?” આ પ્રશ્ન ઉઠે છે એટલામાં રાધેદાસ અંદર આવ્યો. એના સામું જોયું. પાસે આવી રાધેદાસ બોલ્યો, “ જી મહારાજ, ચંદ્રાવલી મૈયા આપનું દર્શન ઇચ્છેછે છે.”

“ મ્હારું દર્શન ! શા માટે !”

“એ તો તેમના હૃદયમાં જે મંત્ર હોય તે ખરો. મને તે અલખ છે.

"તો પુછો તો ખરાં ! સ્ત્રીજનને મળવું આ વેષને કે દેહને ઉચિત નથી.”

“પરિવ્રાજિકા મઠની પરમ પવિત્ર અધિષ્ઠાત્રીને તેમના હૃદયનો મંત્ર પુછવાનો કોઈ સાધુજનને અધિકાર નથી. તેમનો આત્મા સ્ત્રીરૂપ નથી ? અને આપનો આત્મા તેથી ભિન્ન પુરુષરૂપ નથી. પવિત્ર કલ્યાણ આશયને કાળે અલખનો ભેખ લખ વસ્તુમાત્રને માટે ઉચિત છે. જી મહારાજ, ભગવતી ચન્દ્રાવલી મૈયા જ્યારે પ્રવૃત્તિ સ્વીકારે છે ત્યારે કોઈ પરમ કલ્યાણ કાર્યને અર્થ જ એ પ્રવૃત્તિને સ્વીકારે છે અને તેમનાં સાધન પણ શુદ્ધ ધર્મ્ય અને રમણીય જ હોય છે. ગુરુજીની પાસે પણ એ ભગવતીની ગતિ અપ્રતિહત છે.”

નવીનચંદ્ર સાંભળી રહ્યો અને કંઈક વિચારમાં પડી અંતે બોલ્યો, “વિહારપુરી.........”

“તેમની અનુમતિ પ્રાત:કાળથી જ મળી ગઈ છે” : રાધેદાસ વચ્ચે બોલ્યો.

સર૦– રાધેદાસજી, તમારી આવી શ્રદ્ધાના પાત્રનો સત્કાર કરવાને વિધિ શો છે ?

રાધે૦- ગુરુજીને માટે જેવો અાદર રાખો છો તેવો જ અા ભગવતી માટે રાખજો. જી મહારાજ, અલખ માર્ગનો સંપ્રદાય એવાંને એવું જ કહી સંબોધે છે કે,