પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૯


ચન્દ્રા૦-નવીનચંદ્રજી, હું આ ઓટલે બેસું છું, તમે આ પગથીયા ઉપર બેસો. મ્હારે અતિવિસ્ત્રમ્ભની ગોષ્ટિ કરવાની છે.

જિજ્ઞાસા, આતુરતા, પ્રીતિ, લજજા, અને કમ્પને અનુભવતો સરસ્વતીચંદ્ર તે પ્રમાણે બેઠો અને નીચલું પગથીયું જોઈ રહ્યો. ચંદ્રાવલી પણ બેઠી.

ચન્દ્ર૦- નવીનચંદ્રજી, સુન્દરગિરિ ઉપર આપની કીર્તિ આ સૂર્યના પ્રકાશ પેઠે પ્રસરી રહી છે; પણ હું તો નિમ્ન પ્રદેશમાંથી આપના પૂર્વાશ્રમની કથા સાંભળી આવી છું.

સર૦– આપની કીર્તિના શ્રવણપાનમાં જેવી શાન્તિ છે તેવી મ્હારા પૂર્વાશ્રમની કથામાં ક્લાન્તિ છે. મૈયા, એ આશ્રમનો શુદ્ધ ઇતિહાસ ગુપ્ત છે.

ચન્દ્રા૦- તમારે તે ગુપ્ત રાખવાની ઈચ્છા હશે પણ મને તો તે ઇતિહાસના સાક્ષિભૂત હૃદયના કરેલા ઉદ્ગારથી જણાઈ છે.

સર૦– એ હૃદય જે દેહમન્દિરમાં હતું તે મન્દિર નષ્ટ થયું છે.

નિ:શ્વાસ મુકી સરસ્વતીચંદ્રે નેત્ર ઉપર હાથ ફેરવ્યો.

ચન્દ્રા૦ – એ મન્દિર નષ્ટ નથી થયું પણ મ્લાન થયું છે. નવીનચંદ્રજી, એ મન્દિરમાંના હૃદયની કુંચી લઈને હું આવી છું અને તમને હું તે સોંપી દઈશ.

સર૦- એ કેમ મનાય? આપ એક શરીરની વાર્તા કરતાં હશો અને હું બીજા શરીરની વાર્તા કરતો હઈશ.

ચન્દ્રા૦– આ ગિરિના તરસ્થાનમાં તે શરીર તમે દીઠું છે ને એ હૃદયનો કટાક્ષ તો કાલ તમને લાગી ગયો છે.

સર૦– એ શરીરનું નામાભિધાન જુદું છે.

ચન્દ્રા૦- તમે તમારું નામ બદલ્યું તેમ એ મધુર શરીરને અમે મધુરીનામે ઓળખીયે છિયે. એ નવીન પણ ઉચિત નામ મ્હેં જ પાડેલું છે.

સર૦– જો આપ ક્‌હો છો તેવી જ સ્થિતિ હોય તો મ્હારી એક ચિન્તા શાન્ત થશે. આપ જેવાના સત્સંગથી એ શરીરમાંનું વિકલ હૃદય શાંત થશે અને મને ભુલશે, એ શરીરનું સત્ય નામ જણવવાની મ્હારા ઉપર આપ કૃપા કરી શકશો, તો સર્વ પ્રશ્નોનું સમાધાન થશે.

ચન્દ્રા૦- તે નામ મ્હારાથી પણ ગુપ્ત છે. પણ નામ વિનાની સર્વ હૃદયગુહાની હું તલસ્પર્શી થઈ છું.