પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૦


સર૦– મૈયા, આપ આજ્ઞા કરશો તે હું સાંભળીશ. માત્ર ગુપ્ત નામ રાખનારની ગુપ્ત વાર્તા પ્રકટ ન કરવી એટલો ધર્મ સાચવીશ.

ચન્દ્રા૦- એ તો ઉચિત છે. આપણી વાતોની સરત એટલી કે તમારું બેનું ૫રસ્પર અભિજ્ઞાન સંપૂર્ણ થાય તો જ મ્હારી તમારી કથાઓ સત્ય ગણવી ને અભિજ્ઞાન અપૂર્ણ થાય તો સર્વ વાત સ્વપ્નવત્ ગણવી.

સર૦– તો આજ્ઞા કરો.

ચન્દ્રા૦- આપ આ આશ્રમમાં સર્વની સાથે શયન રાખો છો તેને સ્થાને ગુરુજી જાતે જ નીરાળો એકાન્તવાસ આપે તો આપે સ્વીકારવો.

સર૦– ગુરુજીની ઇચ્છા તે આજ્ઞા જ છે.

ચન્દ્રા૦– આપની ઇચ્છા પુછે તો તેમાં પણ આ યોજનાને જ અનુકૂળ ર્‌હેવું.

સર૦– આ આશ્રમમાં હું ગુરુજીની પ્રસન્નતા જ ઇચ્છું છું – બીજી ઇચ્છા દર્શાવતો નથી.

ચન્દ્રા૦– દર્શાવતા નહી હો, પણ રાખતા તો હશો જ.

સર૦ – હૃદયતંત્રમાં તો જે હોય તે ખરું.

ચન્દ્રા૦- નવીનચંદ્રજી, તૃષિત ચકોરી ચન્દ્રપ્રકાશથી જ તૃપ્ત થશે.

સર૦– મૈયા, તેને ઉપદેશ કરજો કે જે શમપ્રકાશ ચન્દ્રાવલીમૈયા વિહારપુરીજીને આપે છે તે જ પ્રકાશ ચકોરીને અનેક ચન્દ્રની માળા જેવાં ચન્દ્રાવલી મૈયા આપી શકશે.

ચન્દ્રા૦– તેમાં તમે શું કર્યું ? નવીનચંદ્ર,

[૧]“अयि कठोर शमः किल ते प्रियः
स नु शमो नु शमस्य विडम्बना ।
परगॄहे किमभूद्धरिणीदॄशः
कथय नाथं कथं वत मन्यसे ॥"

સરસ્વતીચંદ્રના નેત્રમાં અશ્રુધારા અપ્રતિહત થઈ. ભીંત ભણી મસ્તક ટેકવી તે સાંભળી રહ્યો હતો તે આ સાંભળી ઉંડા પ્રચ્છન્ન આવેશમાં પડી મુખે મન્દ મન્દ બોલવા લાગ્યો.


  1. ૧. અહો કઠોર પુરૂષ ! તને શમ પ્રિય છે તે ઠીક. પણ આ તે ત્હારો શમ કેશમને નામે શમની વિડમ્બનાને તું દેખે છે ? પારકાગૃહમાં મૃગનયનીનું શુંથયું હશે તે ક્‌હે તો ખરો ! (તેનો નાથ થઈ તેના ઉપર ત્હારા નાથપણાનો ત્હેંઅધિકાર વાપર્યો છે તે) નાથ ! તું આમાં શું માને છે? (ઉત્તરરામ ઉપરથી)