પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૩


સર૦– તેના મનમાં હું એવો દુષ્ટ હઉ તો તેમ ગણવું.

ચન્દ્રા૦– નવીનચંદ્રજી, જે આવેશને બળે તમે તમારા પિતાનો ત્યાગ કર્યો તે જ આવેશને બળે તમે તમારા પ્રીતિપરિપાકની અવગણના કરી. એ જ અવગણના તમારી પવિત્ર પ્રીતિએ સ્વીકારી નહી અને એ અવગણનાની અવગણના કરી તમારી પ્રીતિએ તમને મધુરી પાસે મોકલ્યા. તમારી ઉદાત્તતા એવી છે કે આટલી વાત તો તમે તરત સ્પષ્ટ સ્વીકારવાના.

પળવાર લજજાથી નીચું જોઈ સરસ્વતીચંદ્ર બેાલ્યો. “મ્હારા હૃદયતંત્રનું પૃથક્કરણ કરવામાં તમારી પ્રજ્ઞા સફલ હોય એટલી સફલ મ્હારી પોતાની દુ:ખમાં ડુબેલી પ્રજ્ઞા થઈ શકે એમ નથી.”

ચંદ્રા૦— મહાત્મા ! તમારું રસિક ઉદાત્ત માહાત્મ્ય એવું છે કે તેને તમે પોતે જોઈ શકતા નથી. પણ તમારું જે માહાત્મ્ય તમે જાતે જોઈ શકતા નથી તે મ્હારી મધુરીની પ્રીતિ સ્પષ્ટ પ્રત્યક્ષ કરી શકે છે, જેમ આપણે આપણું મુખ આપણી આંખેથી જોઈ શકતાં નથી પણ કાચમાં જોઈએ તો જ દેખાય તેમ મહાત્માઓનાં માહાત્મ્ય તેમને પોતાને જણાતાં નથી પણ તેમના ઉપર વિકસતી અન્ય હૃદયની પ્રીતિના નિર્મલ કાચમાં જ જણાય છે.

સર૦– હા ! મ્હારી દુષ્ટતાનું માહાત્મ્ય એ રંક હૃદયને સોળે કળા સાથે પ્રત્યક્ષ જ છે.

ચન્દ્રા૦– મહાત્મા ! જો તેના હૃદયમાં એવી ભાવના હોય તો એ હૃદય ધરનારી તે મધુરી નહી ! મ્હારી મધુરીના મધુર પ્રીતિને તમે કેવા ભાસો છો તે સાંભળી લ્યો.

[૧]"व्यतिकरितदिगन्ताः श्वेतमानैर्यशोभिः
सुकृतिविलसितानां स्थानमूर्जस्वलानाम् ।
अकलितमहिमानः केतनं मङ्गलानाम्
कथमपि भुवनेस्मिंस्त्वादृशाः संभवन्ति ॥"

સર૦- હરિ ! હરિ ! હું મહા દુષ્ટ ઉપર તેનો ઉપકાર અપાર થઈ ગયો। મૈયા, હું મ્હારો જે દારૂણ દોષ જોઉં છું તેને જોવાને જ્યારે એ ઉદાર હૃદય આટલું અશકત છે ત્યારે મને ક્ષમા તો કોણ આપવાનું હતું? હવે તો ઈશ્વર આપે ત્યારે !


  1. ૧.ઉજ્વલ શ્વેત થતા યશવડે દિશાના છેડાએાને જેમણે રંગ્યા હોય છે, સુકૃતના પ્રતાપી વિલાસેાનાં જેઓ સ્થાન છે, જેમનો મહિમા કળાયો નથી, અનેક મંગલોની ધ્વજારૂપ જેઓ છે એવા ત્હારા જેવા મહાત્માઓ પૃથ્વીમાં પૃથ્વીમાં મહાભાગ્યે જ ક્‌વચિતુ જન્મે છે (ઉત્તરરામ ઉપરથી)