પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૪


ચન્દ્રા૦– જ્ઞાનસ્વરૂપ ! આ અલખના પુણ્ય મઠમાં [૧] तरति शोकमात्मवित्.

સર૦– શોક જશે, પણ થયું પાપ નહીં ધોવાય.

ચન્દ્રા૦- ગુરુજી, તમને તે ધોવાનો પ્રસંગ પણ પ્રાપ્ત કરાવશે ને ત્યારે તમે અનુભવશો કે–

[૨]भिद्यते हृदयग्रंथिश्छिद्यन्ते सर्वसंशयाः |
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥

સર૦– માતાજી, સત્ય ક્‌હો છો, પણ મ્હારા મોહનું આવરણ આ ક્ષણે દૃઢ છે.

ચન્દ્રા૦- મ્હારે આવી યોજના સાધવી છે કે તમારો ને મધુરીનો એકાન્ત સમાગમ થાય અને તમે બે પરસ્પર અવસ્થા સાંભળી, સમજી, પરસ્પર સમાધાન કરો, અને તે પછી તમારી બેની ઈચ્છા પ્રમાણે યોગ કે વિયોગ જે ઉચિત હશે તે સાધવામાં અમે સાધનભૂત થઈશું.

સરસ્વતીચંદ્ર વિચારમાં પડી અંતે બોલ્યો.

“એથી ફળ શું ?”

ચન્દ્રા૦- તેનું દુ:ખ તમે સમજી લેજો અને તમારું દુ:ખ એ સમજી લેશે. તેનો વ્યાધિ જાણી તેનો ઉપાય તમારા સમાગમમાં હોય તો તે સમાગમ તમે તેને આપશો એ જ તમને ક્ષમા મળી સમજવી. એનું ઔષધ બીજું કાંઈ હોય તો તે આપવા યત્ન કરશો તો તે પણ તમને ક્ષમા મળી ગણવી. જો તમે એમ સમજતા હો કે ક્ષમાથી તમને શાંતિ મળશે તો તો આટલું કરવા તમે બંધાયેલા છો. જો તમારું દુઃખ તમે નહી સમજતા હો તો મધુરીનું હૃદય તો તે અવશ્ય સમજી લેશે અને તેનો ઉપાય કરશે. નવીનચંદ્રજી, જે પરિશીલિત પ્રીતિથી તમારાં બેનાં હૃદય ઓતપ્રોત ન્યાયથી સંધાયાં છે તે પ્રીતિના તંતુ ઉપર બલાત્કાર કરવાથી ઉભય હૃદય ખેંચાય અને ત્રુટે એ પ્રીતિની પ્રકૃતિ છે. કેટલાક કાલ ઉભય હૃદયના તંતુઓનાં યથાપ્રાપ્ત સમાગમનું પાલન કરે, અને ધીમે ધીમે ઉભયની કળાથી ઉભયની વૃત્તિથી, ઉભયના સંયુકત અભિલાષથી, અને ઉભયના પ્રયત્ન


  1. ૧. આત્મા જાણનાર શેાકને તરે છે.
  2. ૨. એ પરાવાર દૃષ્ટિ થાય છે ત્યાં હૃદયગ્રન્થિ ભેદાય છે, સંશય માત્રનો છેદ થાય છે, ને આનાં કર્મ ક્ષીણ થઈ જાય છે. (પંચદશી.)