પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૬


સર૦– તમારે ઉદાસીનતા છે, પણ મ્હારે તો તે કામ વર્જ્ય અને અધર્મ્ય છે એવો ઉપદેશ સ્થિર કરવો પડશે.

ચન્દ્રા૦- તો તેમ કરજો. સૂક્ષ્મ કામ તૃપ્ત થયો એટલે અલખ કલ્યાણનો ધર્મ સચવાયો સમજીયે છીએ.

સર૦– પણ સ્થૂલ કામની દષ્ટિમર્યાદામાં અને બાણપથમાં પડવાનું કારણ શું ?

ચન્દ્રા૦– તમે કરેલો અપરાધ – એ મુખ્ય કારણ છે. તેનું પ્રાયશ્ચિત્ત ઈચ્છો છો – એ વચન તમારા હૃદયનું હોય તો તે બીજું કારણ પછી કેટલાં કારણ માગો છો ? વિષનો વિષવડે પ્રતીકાર કરો.

સર૦– હું આ યોજના સાંભળી ભયથી કમ્પું છું. મૈયા, શુદ્ધ જીવોને ભ્રષ્ટ થવાના ભયમાં નાંખવા એ આ સ્થાનના પુણ્ય માર્ગોને ઉચિત નથી.

ચન્દ્રાવલી ભ્રૂકુટી ચ્હડાવી બોલી. “શું ઉચિત નથી ? એ રંક મુગ્ધાની તમે પ્રીતિ કરી અને પછી તેને કુવામાં નાંખી અને હવે તેમાંથી તમારે તેને ક્‌હાડવી ઉચિત નથી? કે એ કુવામાં પડવાનું તમારા સ્વાર્થી હૃદયને ભય લાગે છે અને એ ભયમાંથી પોતે જાતે મુક્ત રહેવાની અન્તર્વાસનાથી આ નિર્ભય બાળાને શુદ્ધ માર્ગ દેખાડવાનો દમ્ભ કરવો એ ઉચિત નથી ? જો તમે સંસારીઓના માર્ગ પ્રમાણે ધર્માધર્મ ગણતા હો અને એવા ધર્મના આગ્રહી હો તો જે ભયથી તમે ડરો છો તેનાથી ડરો નહી ને એ ભયકાળે પણ તમારા ધર્મ પ્રમાણે શુદ્ધ રહેવાનું પૌરુષેય બળ ધારો. કલ્યાણ ફળને માટે યુદ્ધ કરવું પડે તો તેને માટે રખાય એટલાં કવચ અને શસ્ત્રાસ્ત્ર રાખો અને અક્ષત ર્‌હો. પણ એ ભયથી કાયર બની, ઉચિતાનુચિતના અનુચિત વિચારોથી દોલાયમાન થઈ જે કાર્ય જાતે ધર્મ્ય અને કલ્યાણકારક તેમ તમારા પ્રાયશ્ચિત્તરૂપં છે તે કાર્ય કરવામાં પાછા ન પડો અને વ્યગ્ર ન થાવ. જે તમારાં સૂક્ષ્મ શરીરનો સમાગમ હું યેાજુ છું તેમાં તમે અધર્મ કે અકલ્યાણ દેખો છો ?”

સર૦- આ ભય વિના બીજું કાંઈ નથી.

ચન્દ્રા૦- સૂક્ષ્મ શરીરના સમાગમ અને સૂક્ષ્મ પ્રીતિના ચમત્કાર આજ સુધીમાં તમને અનિવાર્ય અને અપ્રતિહતગતિ જણાયા નથી ?

સર૦– મૈયા, હું નિરુત્તર છું.

ચન્દ્રા૦– તમારાં ઉભયનાં હૃદયની શાન્તિ એ સમાગમ વિના બીજા કોઈ માર્ગથી સાધ્ય છે ?

સર૦- હું એવો બીજો માર્ગ દેખી શકતો નથી, છતાં આ સમાગમ ઇચ્છતો નથી ને તેનું કારણ કહી દીધું છે.