પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૦


કહીયે છીયે તે વાસના આવાં ચિત્તની સિદ્ધિથી જ થાય છે. વિશ્વામિત્રે ક્ષત્રિયપદ છોડી બ્રહ્મર્ષિપદ શોધ્યું તેમણે એ ઉભય પદનાં પાલક જનક મહાત્માની સ્તુતિ કેવી કરી છે તે સાંભળો.

"[૧]ज्याधातः कार्मुकस्य श्रयति करतलं कण्ठमोंकारनादः
तेजो भाति प्रतापाभिधमवनितले ज्योतिरात्मीयमन्तः ।
राज्यं सिंहासनश्रीः शममपि परमं वक्ति पद्मासनश्रीः
येषां ते यूयमेते निमिकुलकुमुदानन्दचन्द्रा नरेन्द्राः ॥

“નવીનચન્દ્રજી, અન્તે મ્હારે એટલું જ ક્‌હેવાનું બાકી રહ્યું છે કે રાજ્યાદિની ઉપાધિ વિનાના, માત્ર અર્ધાંગના યોગથી સકલાંગ ર્‌હેનાર યાજ્ઞવલ્કય અને મૈત્રેયીની પેઠે, અને વસિષ્ઠ અને અરુન્ધતીની પેઠે, સચ્ચિદાનંદમયં અદ્વૈતરસ અનુભવવો એ વિહારમઠના યેગીયોની સ્વાનુભૂતિ છે તેમાં તમારા જીવાત્મામાં ત્રસરેણુકાદ્વૈત પામવા મ્હારી મધુરીનો કલ્યાણ જીવાત્મા સર્વ પ્રકારે યોગ્ય છે. અમે તેનો અને તમારો ક્ષણવાર સહવાસ યોજીશું તેમાં તમારે સર્વથા અનુકૂળ થવું અને તે સહવાસને કાળે તમારા પરસ્પર પક્ષપાતના સંમેલનનું પરિણામ તમને જે અધિકાર આપે તે કરવા તમે સ્વતંત્ર છો, જો એ અધિકાર તમારે વિહારમઠમાં જવાનો થાય તો ત્યાં જજો અને આ મઠમાં ર્‌હેવાનો થાય તો અંહી ર્‌હેજો. પણ આ અધિકાર પરીક્ષાસંવેદન[૨]વિના જણાઈ શકતો નથી અને તમારો થોડોક પણ સહવાસ થાય તે વિના તમારા મન્મથાવતારનું અને અધિકારનું પરીક્ષાસંવેદન થવાનું નહી, માટે તેટલી રીતે તમારે અમને અનુકૂળ થવું, બીજે રૂપે હું ઉક્ત શબ્દોની પુનરુક્તિ કરું છું.”

સર૦– “સાક્ષાત્ સરસ્વતીદેવીનો ઉપદેશ કીયા અંતઃકરણ પાસે આજ્ઞાધારણ નહીં કરાવે ? પણ મૈયા, વ્યાસ જેવા પિતાના ઉપદેશ શુક મુનિને માટે અપર્યાપ્ત નીવડ્યા તેમ મ્હારા અંતરાત્માનું ભય આપના


  1. ૧. તમારા હાથના તળીયાને બાણની પણછના ઘસારાના ઘા પડ્યાછે;તમારા કંઠમાં ઓંકારનાદ છે; પ્રતાપ નામનું તમારું તેજ પૃથ્વીતલમાં પ્રકાશે છે અને અંતમાં આત્મજ્યોતિ પ્રકાશે છે, સિંહાસનલક્ષ્મી તમારુંરાજત્વ જણાવે છે ને પદ્માસનલક્ષ્મી તમારા શમને જણાવે છે: જેનામાંઅાવા અાવા ગુણ છે તે તમે નિમિકુલ રૂપ કુમુદના આનન્દચંદ્ર નરેન્દ્ર છો.( પ્રસન્નરાધવ.).
  2. ૨. પરીક્ષા કરી સત્ય જાણી લેવું. Verification,