પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૧

ઉપદેશથી નષ્ટ ન થાય તો ક્ષમા કરશો. હું શુદ્ધ અન્તઃકરણપૂર્વક માનું છું ને કહું છું કે–

"[૧]भवाद्दशीनां साध्वीनां मे च यन्मङ्गलं मतम् ।
तस्मिन्नकरुणे पापे वॄथा वः करुणा मयि ॥

“આપનાં સર્વ વચન સત્ય છે, અનિવાર્ય છે, રમણીય છે અને સૂક્ષ્મ વિચારે ધર્મ્ય પણ છે. પણ જે પ્રીતિ મ્હારા શમાભિલાષને શમની વિડમ્બના જ આપે છે તે જ પ્રીતિ કોઈક અનિર્વચનીય કારણથી મને આ દુ:ખમાં પડી ऱ्હેવા પ્રેરે છે.”

ચન્દ્રા૦– મહાત્મા ! एतद्वि परिभूतानां प्रायश्चितं मनस्विनाम् । [૨] એ પ્રાયશ્ચિત્તનો અવધિ હવે સમાપ્ત થાય છે.

સર૦– બે હૃદયને જે પ્રીતિ જોડે છે તે જ પ્રીતિ મ્હારા હૃદયમાંથી ભુસાય તો આપની આજ્ઞાનું ધારણ કરવામાં વિઘ્ન નડે નહી,

ચન્દ્રા૦- તે ભુસાવાની નથી.

[૩]अहेतु: पक्षपातो यस्तस्य नास्ति प्रतिक्रिया ।
स हि स्नेहात्मकस्तन्तुरन्तर्मर्माणि सीव्यति ॥

સર૦– જો તે ભુસાવાની નથી તો મ્હારી મૂર્ખતાનો ભોગ થયલી રંક મુગ્ધાને કરવાનો ઉપદેશ જે માર્ગથી નિષ્ફળ થાય તે માર્ગ હું કેઈ રીતે લેઉં ? જેણે દોષ કરેલો છે તેણે તે આ શમવિડમ્બના વેઠવી જ જોઈએ અને એ દોષને લીધે દુ:ખી થઈ છે તેને શુદ્ધ શમ મળવો જોઈએ. જે પક્ષપાત અને સ્નેહ આ બે હૃદયના તંતુઓને શીવે છે તે સ્નેહની પ્રતિક્રિયા નથી તો જે જીવ શમવિડંબનાને યોગ્ય છે તે વિડંબના વેઠશે, અને જે પવિત્ર જીવ શમને પાત્ર છે તેને તે મળશે – એટલે મ્હારી વાસના તૃપ્ત થશે.

ચન્દ્રા૦- તમારી જાતને શિક્ષા કરવી કે નહી તે કર્મ અને ફલના સંયોજક ઈશ્વરના હાથમાં રાખો. પણ જે જીવને શમ આપવા ઈચ્છો છો તેને તે તમે જાતેજ આપો.


  1. ૧. તમારાં જેવાં સાધ્વીનું અને મ્હારું જેને મંગલ ગણેલું છે તેના ઉપરનિર્દય થનાર પાપી જે હું તેને માટે તમે વૃથા દયા આણો છો. ( ઉત્તર રામઉપ૨થી ).
  2. ર. પરિભવ પામેલા મનસ્વીઓનું આ જ પ્રાયશ્ચિત્ત છે. ( ઉત્તર રામ )
  3. ૩. હેતુ વગરનો જે પક્ષપાત થાય છે તેની પ્રતિક્રિયા નથી. અન્તમર્મભાગોને શીવી લેનાર સ્નેહાત્મક તન્તુ તે એજ.( ઉત્તર રામ )