પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઈશની એક દૃષ્ટિ થતાં ઈશ અનીશને આમ આકર્ષે છે અને સ્વસમાન કરે છે. એનું નામ ઈશ્વરની કૃપા. એનું નામ ઉભય પક્ષીની મિત્રતા. આગન્તુક મિત્રનો સ્વર સાંભળી, અન્નપર બેઠેલો મિત્ર જેમ આતુરતાથી અન્નનો ત્યાગ કરતો નથી પણ કોળીયા ત્વરાથી ભરી લે છે અને આવેલા મિત્રને મળવા દોડે છે તેમ જ સૂક્ષ્મ પ્રીતિના ભોગી અનીશ સાધુએ ઈશને જોઈ ભોગને સુક્ષ્મતર કરે છે. નવીનચંદ્રજી, તમને જે માર્ગ દર્શાવ્યો છે તે કલ્યાણકારક જ છે ને મધુરીની મધુર કલ્યાણી મતિ તેમાં તમને અપૂર્વ સાહાય્ય આપશે એમ સર્વ સાધુજનની શ્રદ્ધા છે. નવીનચંદ્રજી, તમારી પ્રીતિ બાણની પેઠે ધનુષ્ય ઉપરથી છુટી ચુકી છે ને તેના પ્રતિરોધનો પ્રયત્ન મિથ્યાદમ્ભ છે. એ દમ્ભરૂપ અભિમાનનો ત્યાગ કરી, કલ્યાણ આશય ધરી, પ્રાપ્ત પ્રવાહમાં પ્રવૃત્ત થાવ, અને સર્વ જન જેનું મોદન કરે છે તે આશયને કલ્યાણરૂપ જ સમજો.

"विगतमानमदा मुदिताशयाः
शरदुपोढशशाङ्कसमत्विषः ।
प्रकॄतसंव्यवहारविहारिणस्
त्विह सुखं विहरन्ति महाधियः ॥"

સરસ્વતીચંદ્ર પોતાને દીક્ષામાં મળેલા શ્લોકના આ ઉપયોગથી ચમક્યો અને જિજ્ઞાસાથી પ્રેરાયો.

મૈયા, આ શ્લોકમાંનો વ્યવહાર કીયો, ને આશય કીયો, અને શશાંકનું ઉપમેય શું ?”

ચન્દ્રા૦– ચાતુર્માસમાં જગતના પોષણને અર્થે વૃષ્ટિ કરવા વાદળાં આકાશમાં ઉભરાય છે અને ચંદ્રનું દીર્ધકાળસુધી આચ્છાદન કરે છે તે પ્રમાણે મહાત્માઓનાં સ્થૂલ સૂક્ષ્મ શરીર પ્રથમ જાતે સુબદ્ધ સુપુષ્ટ થાય છે અને પછી, જગતના કલ્યાણને અર્થે ક્રિયાવૃષ્ટિ કરે છે ત્યાં સુધી એ અલખના સ્ફુલિંગરૂપ એ મહાત્માઓ પ્રચ્છન્ન ર્‌હે છે અને તે પછી જ શરદ્ ઋતુના સકલ ચંદ્ર જેવા થાય છે. તેમની કૃપાનાં કાર્યનું અનુભવી જગત તેમના આશયને પુણ્ય ગણવા જેટલો વિશ્વાસ તે પછી જ રાખે છે અને તેમના આશય લોકમુદિત ત્યાર પછી જ ગણાય છે. જે જે સદ્વસ્તુ એમની આશપાશના પ્રવાહમાં આવે છે તેની સાથે જ તેઓ શુદ્ધ ઉત્કૃષ્ટ વ્યવહાર રચે છે, તેમાં ન્યૂનતા રાખતા નથી અને ભાવી અને અપરોક્ષ વ્યવહારની કામના રાખતા નથી. આ લખ વ્યવહારમાં