પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯

ઘા મને ઘણી પાસથી પડ્યો. હોય ! પુત્રીઓ તો સ્ત્રીજાતિને સ્વભાવસિદ્ધ રંક દશા માટે નિર્માયલી જ છે. પણ સરસ્વતીચંદ્ર જેવા પુત્રનું સુખ જોઇ હું સુખી થાત અને મને માતા જેવી તેમણે એકવાર ગણેલી તેમ ગણવાનું મ્‍હારી દુ:ખી દશામાં એ ચુકત નહી. એમની પાસે મ્‍હારા હૃદયની વરાળ કંઈક નીકળી શકત તો હજીએ મ્‍હારા હૃદયમાં કંઈ કંઈ ઉભરા છે તે એ પુત્ર પેઠે શમાવી શકત. થોડાક દિવસના સહવાસમાં અમારી સાથે જેમણે ઘણીક માયા કરી છે, તે શું આ વેળાએ અંહી હોય તો મ્‍હારી દાઝ ન જાણે ? શું મ્‍હારું દુઃખ એમને કહું તો એમને મ્‍હારી દયા ન આવે ? શું એ દુ:ખ ટાળવું એમના હાથમાં છે એવી એમની ખાતરી કરું તો મ્‍હારું મ્‍હોં એ તરછોડે ? આને સ્વાર્થ કહો કે સ્નેહ કહો, પણ મ્‍હારા પુત્રના મિત્ર ગણી તમારી પાસે હું કાળજું ઉઘાડું છું ”

ગુણસુંદરીનાં આંસુ આટલું બોલતામાં સુકાવા લાગ્યાં હતાં અને તેના ડાઘ એના ગાલ ઉપર પડેલા હતા. ચંદ્રકાંતનું હૃદય આ જોઈ વધારે રંક થયું.

“ચંદ્રકાંતભાઈ, આટલી તો સ્વાર્થની કથા. જ્યાં સ્નેહ ત્યાં સ્વાર્થ, અને તેવો આ મ્‍હારો સ્વાર્થ કે પુત્રજેવાની પાસે હૃદયનાં મર્મસ્થળ ઉઘાડવાનો લોભ રાખું છું. પણ જો એમના દુ:ખથી મને દુ:ખ થાય અને એમને સુખી જોઈ સુખી થઉં એટલે એમના ઉપર મ્‍હારો સ્નેહ છે એમ કહું તો એ પણ સ્વાર્થ કેમ નહી ? માટે એને પણ સ્વાર્થ કહો કે સ્નેહ કહો, પણ એ સ્વાર્થ પણ મ્‍હારું કાળજું બાળે છે. કોણ માબાપનો એ પુત્ર આજ કેવે ઠેકાણે હશે ? એણે ત્‍હાડતડકો ક્યારે દીઠેલાં છે ? કુસુમના પિતા એના સ્વભાવનો વાંક ક્‌હાડે છે પણ મને તો બીજો જ વિચાર થાય છે, જેણે મશરૂની તળાઈમાં અર્ધુ આયુષ્ય ક્‌હાડયું હોય અને વાળ સરખા જેને ખુંચ્યા ન હોય તેને ભીષ્મપિતામહ પેઠે બાણશય્યા પર પળવાર પણ સુવું પડે તો તે સુંવાળું માણસ કેટલું ચમકે ? ખમા ખમા સાંભળનાર અનેતમજેવા દેવાંશી મિત્રો, જેની અહર્નિશ ચિન્તા કર્યા કરતા હશે એવા કોમળ અને સ્વસ્થ મન ઉપર પૂજ્ય પિતાએ થોડા પણ હથોડાના ઘા માર્યા હશે તેનાથી એ સલક્ષણા મનવાળા પિતૃભક્ત મનસ્વીને આટલું ઓછું આવે તો તેમાં શી નવાઈ છે ? અરેરે ! અપર માના પુત્રના દુઃખનું આ જગજાણીતું દૃષ્ટાંત થયું. ગુમાનને માટે એમના મનમાં ઓછી ભક્તિ ન હતી. એ