પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૯

પણ વનસ્પતિમાં જેમ સૂક્ષ્મ દેહ અંતર્હિત રહી સ્ફુરે છે તેમ પશુ આદિમાં વાસનાદેહ અંતર્હિત રહી સ્ફુરે છે, અને આવિર્ભૂત સૂક્ષ્મ દેહના કોકડામાં વીંટાઈ મૃત્યુ પછી પુનર્જન્મ ધરે છે. મનુષ્ય જાતિમાં આ ત્રણે દેહ સંપૂર્ણપણે આવિર્ભાવ પામે છે, સ્થૂલ દેહનાં અવસ્થાચક્રની ગતિથી તેમ પોતાની શક્તિથી મનુષ્યનો સૂક્ષ્મ દેહ સૂક્ષ્મતર થાય છે અને કારણશરીર પોષાય છે. સ્થૂલ શરીરમાંથી આવિર્ભાવ પામેલું – નીકળેલું - સૂક્ષ્મ શરીર પોતાના પૂર્વ સંસ્કારના સંગ્રહને સાથે રાખે છે. અન્ન બફાય અને તળાય તેમ અનેક સંસ્કારોના પરિપાકથી સૂક્ષ્મ શરીર, સિદ્ધાન્ન જેવું, સૂક્ષ્મતર અને સિદ્ધ થાય ત્યાં સુધી, વાસનાશરીર વધ્યાં કરે છે. પણ સૂxમ શરીરની સિદ્ધ દશા થતાં તૃપ્ત થતું વાસનાશરીર કૃષ્ણપક્ષના ચંદ્ર પેઠે હ્રાસ પામવા માંડે છે. એ શરીરનો હ્રાસ થવા માંડ્યો ત્યાં સૂxમ શરીરે આ ઉપાર્જિત કરેલી શક્તિની પ્રવૃત્તિ, આશપાશના સંસારના કલ્યાણને અર્થે સુપુષ્પની સુગન્ધ પેઠે, વિસ્તાર અને વિકાસ પામે છે, એ વિસ્તાર અને વિકાસથી સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થાય છે, અને સંસારના કલ્યાણમાં ખેંચાતી વાસના, અહંતા મમતા છોડી, માન-મદ-ના અવચ્છેદથી મુક્ત થઈ સમષ્ટિરૂપ સ્વયોનિમાં ભળે છે ને શાંત થાય છે. વાસના શરીર શાંત થયું એટલે તેલ ખુટી દીવા ભભુકીને શાંત થાય છે અને વાટ કોયલારૂપે પડી ર્‌હે છે તેમ સૂક્ષ્મ શરીર સૂક્ષ્મતમ થઈ શાંત થાય છે અને સ્થૂલની દશા વાટના જેવી થાય છે. આવા પરિપાક વિના અતૃપ્ત વાસનાની શાન્તિ જણાય તો તેને અલખવાદીઓ સૂક્ષ્મ શરીરનું પૂતનીકરણ અથવા પૂતીકરણ અને કારણશરીરની આત્મહત્યા ક્‌હે છે - કારણ એ ઉપમાન - ઉપમેયનાં સર્વ વિશેષણ સમાન જ છે અને તેમની સ્તુતિનિન્દાનાં નિદાન એક છે. છિન્નઅભ્ર પેઠે ઉભય લોકમાંથી ભ્રષ્ટ થવાની અર્જુનની જે શંકા વીશે મ્હેં તમને કહ્યું તે છિન્નાભ્રતા આવા પૂતનીકરણાદિથી થાય છે. આવી છિન્નાભ્રતા પામેલો જીવ સૃષ્ટિને આરંભે જ્યાંથી નીકળ્યો હોય ત્યાંથી ફરી નીકળે છે ને ક્યાં જવાનો છે તે વાત અંધકાર જેવી થાય છે. તેને માટે જ શ્રુતિવાક્ય છે કે કેવળ વિદ્યાના બળથી વાસનાને નષ્ટ કરનાર આત્મઘાતી અન્ધતમ તિમિરમાં પ્રવેશ કરે છે આવી શ્રુતિ છે અને માટે જ સ્થૂલ શરીર પોતાના વિપાકથી જ શીર્ણ થાય તે ધર્મ્ય છે તેમ સૂક્ષ્મ અને કારણ શરીર અસિદ્ધ દશામાં નહી પણ સર્વત: સંસિદ્ધ થઈ સર્વ કર્મવિપાકને અન્તે જાતે


૧. The inner organism is made subtler ર. ક્‌હોવડાવવું.