પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૪


ચન્દ્રા૦–“તે તો એક જ વાત ઝંખે છે ને તેને નિઃશ્વાસે નિઃશ્વાસે આપને વિષયે એક જ ઉદ્ગાર થાય છે કે,

[૧]दह्यमानेन मनसा दैवादेव विहाय माम् ।
लोकोत्तरेण सत्वेन जगत्पुण्यैः स जीवति॥

નવીનચંદ્રજી, તમને ક્‌હેવાનું સર્વ કહી ચુકી છું, મ્હારી વિજ્ઞપ્તિ સ્વીકારવી તે તમારા હાથમાં છે. જેવા તમે હૃદયથી સાધુજન છો તેવી જ મધુરી છે. ઉભય હૃદયમાં સાધુજનનાં રહસ્ય સ્ફુરે છે.

[૨]प्रियप्राया वृत्तिर्विनयमधुरो वाचि नियमः
प्रकृत्या कल्याणी मतिरनवगीतः परिचयः ।
पुरो वा पश्चाद्वा तदिदमविपर्यासितरसम्
रहस्यं साधूनामनुपधि विशुद्धं विजयते ॥

નવીનચંદ્રજી, તમે આવા સાધુજન છો, સાધુજનના આશય સમજો છો, મધુરીનું દુઃખ આ હૃદયથી જોવાતું નથી, હું પણ કંઈક વિરક્ત છું તે મ્હારાં વ્રતનો ત્યાગ કરી એ મધુરીને માટે આપની પાસે આવી છું અને એને માટે ક્‌હો કે મ્હારા પોતાના શમસુખને માટે ક્‌હો પણ આ સ્ત્રૈણ હૃદયે માજીનું મન્દિર મુકાવી મને તમારી પાસે આણી છે. સમસ્ત સાધુમંડળનું માન રાખીને, કે મધુરીની દયા કરીને, કે આ


  1. ૧. બળતા ઝળતા મન વડે એણે મ્હારો ત્યાગ કર્યો તે માત્ર દૈવના બળાત્કારથી જ; એવો ત્યાગ કરી એ કાંઈ જાતે પળવાર પણ જીવે એમ છે? છતાં એ જીવે છે તે તો પોતાના લોકોત્તર સત્ત્વને લીધે અને જગતનાં પુણ્યને બળે જીવે છે. (ઉત્તરરામ ઉપરથી)
  2. સાધુજનોનું રહસ્ય સર્વથા વિજયથી વર્તે છે, તે કેવું છે માટે એમ વિજય પામે છે? તેમનાં હૃદયની વૃત્તિ પ્રિયગુણોથી છલાછલ ભરાયલી હોય છે, તેમની વાણીમાં નિયમ હોય છે તે વિનયથી મધુર હોય છે, તેમની બુદ્ધિ સ્વભાવથીજ ક૯યાણી - જીવોને માટે કલ્યાણકારક - હોય છે, તેમના પરિચયમાં નિન્દાપાત્ર પદાર્થ તો લેશ હોતો નથી. જગતના રસ આગળ ઈષ્ટ હોય છે તો પાછળ બગડે છે ને પાછળથી ઈષ્ટ થાય તો પ્રથમ દશામાં વાંધા ભરેલા હોય છે, પણ સાધુજનના નિર્દોષ સાત્વિક પ્રીતિકર રસ તો પ્રથમ કે પછી, આગળ કે પાછળ, સર્વદા સર્વથા વિપર્યય વિનાના જ ર્‌હે છે. સાધુજનોનું નિષ્કપટ, નિર્દોષ વિશુદ્ધ રહસ્ય હોય છે તે આ જ ! અને તે જ વિજયથી પ્રવર્તે છે. ( ઉત્તરરામ.)