પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૭


પ્રીતિ, વૈરાગ્ય, અને વિદ્યા – એ ત્રિપુટીના અપૂર્વ સમાગમથી ઉભરાતા રસ જગતમાં સંપૂર્ણપણે જોવામાં આવતો નથી, જગતના મ્હોટા ભાગને તો તેની કલ્પના પણ નથી. મૈયા, આવી સદ્વસ્તુઓની સંપત્તિના સમાગમનું સ્થાન આપનામાં હોવાથી એ સંપત્તિને બળે અપૂર્વ રસનો પ્રકર્ષ અને પ્રસાદ આપે આજ મને પ્રત્યક્ષ કરાવ્યો છે. ધર્મ અને રસનાં એવાં રૂપનો એકત્ર સમાગમ આપે આપનામાં મને પ્રત્યક્ષ કરાવ્યો છે તે જ મ્હારા ઉપર આજ સુધી કોઈએ ન કરેલી કૃપા કરી છે તેના બદલામાં હું શું કરી શકું?”

ચન્દ્રા૦- નવીનચંદ્રજી, આત્મશ્લાઘા સાંભળવાનું એક કાળે મ્હારે આવશ્યક હતું. હવે તે આવશ્યક નથી. મ્હારા સ્વભાવને તે અનુકૂળ નથી. પણ તમારા જેવા સાધુજનના ઉદ્ગાર હૃદયમાંથી જ નીકળે છે અને એવાં હૃદયની પ્રસન્નતાનું હું નિમિત્ત થાઉં એટલું ફળ મને ઈષ્ટ છે. પણ હવે તેનો વધારે લોભ તે અતિલોભ થાય. વળી આપણા આ સમાગમનું પ્રયોજન કૃપા કરી તમે સફળ કર્યું છે તે જ બદલાથી મને સંતોષ થયો છે. હવે તો જે પ્રવૃત્તિમાં પડવા તમે સ્વીકાર્યું છે તે પ્રવૃત્તિમાં તમારી ઉદારતા અને દક્ષતા સફળ થાવ અને મધુરીના અને તમારા પવિત્ર આશય સિદ્ધ થાવ એ આશીર્વાદ છે.

સર૦- મ્હારા હૃદયમાં આજ સુધી કોઈક બલવાન અધિકાર વ્યાપ્ત રહ્યો હતો તેમાંથી મને પ્રથમ મુક્ત કરનાર ઉષા[૧]દેવી તે આપ છો. હું આપની સ્તુતિ કરતો નથી, પણ કાલે જે જોયું અને સાંભળ્યું તેનો આજ અનુભવ થયો તે આપના જ પ્રકાશથી થયો છે. આજ હું અંધકારમાંથી મુક્ત થયો તે જ આપના આશીર્વાદની સિદ્ધિ.

ગઈ કાલ વિષ્ણુદાસ નિરીક્ષા કરવા નીકળ્યા હતા ને ચન્દ્રાવલી ઉભી દીઠી ત્યાં સર્વ બાવાઓએ અલખગર્જના કરી હતી, યદુનન્દનનો જય પોકાર્યો હતો અને ચન્દ્રાવલીનો જય પણ પોકાર્યો હતો. વિષ્ણુદાસજી પોતે ચન્દ્રાવલી પાસે ગયા હતા અને તેનું કુશળ પુછી, રાસલીલા જોવા જવા આજ્ઞા કરી, બેટની અને માતાના મન્દિરની અને નૈવેદ્યાદિની અવસ્થા પુછી લીધી હતી. રાસલીલાપ્રસંગે વિષ્ણુદાસજી ન હતા પણ વિહારપુરીએ સાધુજનોને રાસરહસ્યનો ઉપદેશ સમજાવ્યો હતો. એ ઉપદેશ થઈ ર્‌હેતા સુધી ચન્દ્રાવલી એક ચિત્તથી શ્રવણ અને ધ્યાન ધરી ઉભી હતી અને સાધુઓના આગ્રહથી તે સર્વે સ્ત્રીપુરુષોમાં અગ્રભાગે


  1. ૧. સૂર્યોદય પ્હેલાંનું મળસ્કુ, પ્રભાત.