પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦

ગુમાનનો સ્નેહ આવો ખેાટો દેખનાર, મ્‍હારા તાજા જ ઉત્પન્ન થયેલા સ્નેહને ખરો શી રીતે ગણે ? પણ હું સત્ય કહું છું કે જેવી મ્‍હારી બે પુત્રીઓની ચિન્તા મને રાત્રિ દિવસ બાળ્યાં કરે છે તેવી જ ત્રીજી ચિન્તા તમારા મિત્રની મ્‍હારા હૃદયમાંથી ખસતી નથી, ચંદ્રકાંત, જગતમાં એક લોહીનો સંબંધ ક્‌હેવાય છે તે ખોટો ને પારકા લોહીના સ્નેહ તે ખરો એ વાત સરસ્વતીચંદ્રના સંબંધમાં તમે અનુભવો છો તો મ્‍હારી સ્થિતિ પણ એવી જ સમજજો. જો આપણાં હૃદય પારદર્શક હત તો તમે આ વાત પ્રત્યક્ષ દેખત.”

બુદ્ધિમતી પણ્ડિત નારીની પાસે સ્ત્રીજાતિનો સ્વાભાવિક સ્નેહ કેવા ઉદ્દગાર કહડાવી શકે તે ચંદ્રકાંતે આજ પ્રત્યક્ષ અનુભવ્યું. મિત્ર પ્રતિ સ્નેહ રાખવાનો એનો ગર્વ ગુણસુંદરીના સ્નેહ આગળ નમી ગયો, અને આંખો લ્‍હોતો લ્‍હોતો એ બેાલવા લાગ્યો.

“ગુણસુંદરીબ્‍હેન, મ્‍હારા નમાયા મિત્રને આપનાં જેવાં માતા છે તે જાણી મને જેટલું સુખ થાય છે તેટલું જ દુ:ખ તેને લીધે આપને થતું દુ:ખ દેખી થાય છે પણ આજ સુધી હું એમ જાણતો હતો કે સરસ્વતીચંદ્રની ચિન્તા કરનાર મ્‍હારા શીવાય બીજું કોઈ નથી; તે મ્‍હારો ગર્વ આજ ઉતરી ગયો, મ્‍હારા શોકમાં આપના જેવાં સમદુ:ખભાગી છે એ જાણી મને આશ્વાસન મળે છે, અને હું સાધનહીન અને દ્રવ્યહીન રંક પુરુષ આ પુરુષરત્નનો શોધ કરવા જતાં હાંફી જતો હતો તેને હવે આપના જેવું સમર્થ અવલંબન મળ્યું જાણી હું પોતાને બળવાન ગણવા લાગ્યો છું, મ્‍હારા મિત્રનાં માતુ:શ્રી ચંદ્રલક્ષ્મી જાણે આયુષ્યમતાં છે અને મ્‍હારે તેમના સમક્ષ અને તેમના આશ્રય નીચે રહી તેમના અતિ પ્રિય પુત્રરત્નનો શોધ કરવાનો છે એવું સુંદર ભાન આજ મને આપ આ સૌંદર્યઉદ્યાનમાં કરાવો છો.”

ચંદ્રકાંતને ગુણસુંદરી ઉત્તર આપે તે પ્હેલાં નવીન વેશ ધરી કુસુમ આવી અને આ કથામાં ભંગ પાડી સઉની વચ્ચે-હાંડીયો વચ્ચે ઝુમ્મર પેઠે – ઉભી. તરત તરી સ્નાન કરી આવ્યાનું લક્ષણ એના ચળકાટ મારતા મુખ અને કેશ ઉપર હતું, મુલતાની સ્ત્રીયોની પેઠે વસ્ત્ર ઉપર એક પાતળો કેશરી છેડો માથે ચ્‍હવી છાતીની ઉપર હોડી લીધો હતો, અને નાકે માત્ર એકલા એક જ મોતીની નથ પ્‍હેરી હતી. કુસુમોદ્યાનમાંની એક “નદી”માંથી લાંબી નાળવાળું શતપત્ર કમળ આણી, નાળ છાતીના છેડા ઉપર જનોઈની પેઠે નાંખી, કમલનો પત્રભાર ખભા