પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૮

વિહારપુરી સામી જ ઉભી હતી. ઉપદેશ કરી રહી વિહારપુરીએ સર્વ સાધુઓને આશીર્વાદ દીધા અને પ્રણામ કર્યા, તે પ્રસંગે ચન્દ્રાવલીને પણ પ્રણામ કર્યા, અને સ્ત્રી પુરુષ સર્વ સાધુઓએ તે ક્ષણે આનન્દ અને ઉત્સાહથી ચન્દ્રાવલીમૈયાનો અલખ જગવ્યો ને જય પોકાર્યો. આ સર્વ ચિત્ર સરસ્વતીચંદ્રે વિસ્મયથી પ્રત્યક્ષ કર્યું હતું પણ એ ચિત્રનું માહાત્મ્ય તેના હૃદયમાં એ જ સમજાયું અને સાધુજનોના એવા પક્ષપાતના આ ઉત્તમ પાત્રને ચરણે પડવા અત્યારે તેનું નમ્ર દીન થયેલું હૃદય તત્પર થયું. ચન્દ્રાવલીએ હવે પોતે જવાની આજ્ઞા માગી તેના ઉત્તરમાં એ આ સ્ત્રીને માટેના પૂજ્યભાવનો અનુભવી બની બોલ્યો.

“મૈયા, આપના હૃદયના અમૃતોદ્ધારથી હું એવો તૃપ્ત નથી થયો કે હવે તેની તૃષા નથી એમ હું કહું. પણ જે કૃપા આપે આ જીવ ઉપર કરી છે તેની મર્યાદા કેટલી રાખવી એ આપના પોતાના અધિકારની વાત છે. હું તો માત્ર હવે આપને વન્દન કરવામાં જ મ્હારું કલ્યાણ માનું છું. વસિષ્ઠ જેવા વિહારપુરીજીનાં અરુંધતી જેવાં ચન્દ્રાવલી – તેમના સમાગમનો અધિકારી હું આજ થયો અને ઉષા [૧] દેવી પેઠે આપે મ્હારો અંધકાર નષ્ટ કર્યો તો મ્હારે ક્‌હેવાનું એટલું જ બાકી ર્‌હે છે કે –

[૨]यया पूतम्मन्यो निधिरपि पवित्रस्य महसः
पतिस्ते साधूनामपि खलु गुरूणां गुरूतमः ।
त्रिलोकीमङ्गल्यामवनितललीनेन शिरसा
जगद्वन्द्यां देवीमुषसमिव वन्दे भगवतीम् ॥

સરસ્વતીચંદ્રે ચન્દ્રાવલીને ચરણે પડવાનું કર્યું ત્યાં એ સાધ્વીના પરપુરુષ સ્પર્શના ત્યાગી કરકમલે આ પુરુષનાં શરીરને પોતાને ચરણે પડતું અટકાવ્યું અને એ ઉભો થતાં એ બોલી.

“નવીનચન્દ્રજી, આ ગિરિરાજનાં યોગીઓ આવા પ્રણામ યદુનન્દનને જ કરે છે - ગુરુજી પણ એવાં પ્રણામ પોતાને થવા દેતા નથી તો હું તો


  1. ૧. સૂર્યોદય પ્હેલાંનું પ્રભાત, મળસ્કું.
  2. ર ત્હારો પતિ મ્હોટામાં મ્હોટા સાધુઓમાં પવિત્ર તેજનો નિધિ છે તે પણત્હારાથી પવિત્ર થયો મનાય છે; ત્રિલોકની તું મંગલકારિણી છે, તું જગતનીવન્દ્ય છે, ઉષા દેવી જેવી ભગવતી ! પૃથ્વીતળ ઉપર ત્હારું મસ્તક નાંખીતે વડે તને નમું છું. ( ઉત્તરરામ ઉપરથી )