પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૫


પ્રકરણ ૨૪.
વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય ને સરસ્વતીચન્દ્રના
સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિના માર્ગ.


तद्यथा महापथ आतत उभौ ग्रामौ गच्छतीमं चामुं
चैवमेवैता आदित्यस्य रश्मय उभौ लोकौ गच्छन्तीमं चामुं चामुष्मा-
दादित्यात्प्रतायन्ते ता आसु नाडीषु सृप्ता आभ्यो नाडीभ्यः प्रतायन्ते
तेऽमुष्मिन्नादित्ये सृप्ताः । तद्यत्रैतत्सुप्तः समस्तः सम्प्रसन्नः
स्वप्नं न विजानात्यासु तदा नाडीषु सृप्तो भवति तं न कश्चन
पाप्मा स्पृशति तेजसा हि तदा सम्पन्नो भवति ॥ છાંદોગ્યોપનિષદ્.

વિષ્ણુદાસ બાવા સુન્દરગિરિ ઉપર હોય ત્યારે તેમનું આન્હિક નિશ્ચિત પ્રનાલિકા પ્રમાણે ચાલતું પણ સાધુસંઘ પર્વત ઉપરથી ઉતરી નીચલા દેશમાં અલખ જગવવા જતો તે પ્રસંગે તે તેમનો કાળ જ્ઞાનવાર્ત્તામાં જ જતો. અમુક સ્થાનનો સંકેત કરી ત્યાં વિષ્ણુદાસ બે ચાર સાધુઓ સાથે મધ્યાન્હ ગાળતા અને બીજા સર્વ સાધુઓ ચારે પાસ છુટા છુટા વેરાઈ જતા. સૂર્ય જરા નમે એટલે વિષ્ણુદાસ પણ પાસેના કોઈ ગામમાં કે નગરમાં, મઠમાં કે તીર્થમાં, ઉપદેશ કરવા જતા, અને સંસારી વિદ્વાનો તેમની પાસે આવે તેને બોધ આપતા. સન્ધ્યાકાળે અન્ધકાર પડે ત્યાં સાધુઓ સંકેતસ્થાનમાં મળે, શ્રમ ઉતારે, મળેલી ભિક્ષામાં ફલમૂલ હોય તેનું પ્રાશન કરે અથવા રસોઈ કરી જમે, અને અંતે સુન્દરગિરિ પાછા જાય.

રત્નનગરી અને મનહરપુરી વચ્ચે એક મ્હોટું હિમસર નામનું સરોવર હતું, અને ચંદ્રાવલી સરસ્વતીચંદ્રને મળી પાછી ગઈ તે પળે આ સરોવર સુધી સાધુઓ પ્હોચી ગયા અને તેને તીરે લીંબડા, આંબા, અને પીપળાના વૃક્ષોની ઘટાવાળું સ્થાન હતું ત્યાં સંકેતસ્થાન રાખી સઉ વેરાવા લાગ્યા. વિહારમઠનો અધિષ્ઠાતા જ્ઞાનભારતી, વૃદ્ધ બ્રહ્મચારી સાધુ જાનકીદાસ, વિહારપુરી, અને બે બીજા સાધુઓ વિષ્ણુદાસ પાસે રહ્યા. આ બે બીજા સાધુઓ મૂળ સંસારી હતા અને વિષ્ણુદાસની પેઠે જ પૂર્વાશ્રમનો ત્યાગ કરી સાધુ થયા હતા. એ બે જણ વીશ બાવીશ વર્ષના હતા, ઈંગ્રેજી જાણતા હતા, અને વિરક્ત લાગતા હતા. તેમાંનો એક સ્વભાવે શાંત અને બુદ્ધિમાં