પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૭


જાનકી૦- તેમને તો વિહારમઠ પાસે કંઈ સ્થાન મળે તો ઠીક, કે ચિકિત્સા પુરી થયે એ મઠરૂપ ઔષધ પણ પાસે જડે.

જ્ઞાન૦– ધારેલી ચિકિત્સા અયથાર્થ નીવડશે તો વિરક્ત નવીનચંદ્રજીને જાનકીદાસની યોજનાથી પોતાનો તિરસ્કાર થયો લાગશે.

વિષ્ણુ૦– વિહારપુરી શું ધારે છે?

વિહાર૦– આપની યોજના શાં કારણથી વિચારી છે?

વિષ્ણુ૦– કારણ અને કાર્ય ઉભય મ્હોટાં છે.

વિહાર૦– તેથી જ મ્હારો પ્રશ્ન છે.

વિષ્ણુ૦– તમે ત્રણે સાધુજન યદુશૃંગના સંપ્રદાયના વિચારઆચારમાં પ્રવીણ છો અને ઉદાર છો. આ સંપ્રદાય પ્રમાણે આપણા ત્રણે મઠના મહન્તનું કાર્ય કરવા વધારે અધિકાર કોનો?

“એ જોવાનો અધિકાર તો આપનો: ” જાનકીદાસ બોલ્યો.

“રસ, જ્ઞાન, વૈરાગ્ય, આદિ શિષ્ટ પદાર્થોનો સમુચ્ચય કયાં ઉત્કૃષ્ટ છે તેની પરીક્ષા આપે આપના સામર્થ્યથી કરવાની છે: ” જ્ઞાનભારતીએ કહ્યું.

“એ સર્વ સત્ય છે પણ તે ઉપરાંત આ પણ સત્ય છે કે સંસારનો અનુભવ અને સાધુજનના ઉત્કર્ષ એ ઉભયનાં જાતે અનુભવ અને અવલોકન જેણે કર્યા હોય અને તેમાંનું અલક્ષય નવનીત જેણે ક્‌હાડ્યું હોય તે જ આ મઠોનું સ્થાયિ કલ્યાણ કરી શકે છે અને માટે જ આપ આ મંગલ પદમાં વિરાજમાન છો:” વિહારપુરીએ વિષ્ણુદાસને કહ્યું.

વિષ્ણુ૦- તેવું પાત્ર શોધી ક્‌હાડી તેને આ પદને યોગ્ય કરવા – સિદ્ધ કરવા – આજથી પ્રયત્ન માંડવો એ આ દેહનો ધર્મ છે. આજ સુધી સાધુજનોને સર્વાનુમતે એવું ગણાતું હતું કે વિહારપુરી આ સિદ્ધિને પાત્ર છે. હવે વિહારપુરી જ એમ ગણે છે કે સંસારના અનુભવી, સાધુજનના ઉત્કર્ષમાં સ્વભાવસિદ્ધ, અને અન્ય સર્વ યોગ્યતાઓથી સમૃદ્ધ નવીનચંદ્રજીને જ આપણા મંગલકાર્યમાં સિદ્ધ કરવા ઉચિત છે.

વિહાર૦– તેમાં કાંઈ ભ્રાન્તિ નથી.

જાનકી૦– નવીનચંદ્ર વિહારમઠના અધિકારી હોય તો આ પરમ સિદ્ધિને માટે તેમની યોગ્યતામાં ન્યૂનતા આવે.

જ્ઞાન૦- વિહારમઠના અધિષ્ટાતાનું સ્થાન ભોગવ્યાથી જ વિહારપુરીજી આજ સિદ્ધ થયા છે, અને એવા પણ ઇતિહાસ પ્રસિદ્ધ છે