પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૯

પુરુષોનો સમાગમ થવાનો. નવીનચંદ્રજીને એ અપૂર્વ લાભ થાય તો આ ત્રણે મઠનું અપૂર્વ કલ્યાણ કરી શકશે. ચન્દ્રાવલીમૈયા એક કારણથી આ કાર્ય પ્રિય ગણશે; હું બીજા કારણથી પ્રિય ગણીશ.

જ્ઞાન૦- આપે ઉત્તમ વિચાર કર્યો. મધુરીમૈયાના સંસ્કાર પણ ચમત્કારક છે અને સિદ્ધદર્શનકાળે આ દમ્પતીનો સહયાર રસ અને જ્ઞાનનો સૂક્ષ્મ યોગ પામશે.”

શંકાપુરી અને શાંતિદાસ આવી બેઠા હતા તેમાંથી શંકાપુરી બોલી ઉઠ્યો.

“પુરુષની જન્મસિદ્ધિથી સ્ત્રીને પણ જન્મસિદ્ધિ પ્રાપ્ત થતી હશે?”

વિષ્ણુ૦– સર્વ તારામંડળ વચ્ચે ગુરુત્વાકર્ષણનું નાડીચક્ર છે એવું પાશ્રાત્ય શાસ્ત્રમાં છે એમ તમે ક્‌હેતા હતા ?

શંકા– જી હા, હું ઈંગ્રેજી વિધા ભણ્યો છું તેમાં આ વાત સિદ્ધ કરી છે.

વિષ્ણુ૦– યોગશાસ્ત્રમાં, જ્યોતિઃશાસ્ત્રમાં, અને અલક્ષ્યમતનાં લક્ષ્યશાસ્ત્રમાં પણ એવાં જ નાડીચક્ર વર્ણવેલાં છે, અને તે ચક્ર તે શાસ્ત્રના અનુભવી લક્ષ્યદ્રષ્ટાઓને પ્રત્યક્ષ થાય છે, ખગોળશાસ્ત્રના નાડીચક્ર પેઠે જ્યોતિઃશાસ્ત્રનું નાડીચક્ર પણ અલક્ષ્ય અને માત્ર પરીક્ષાસંવેદ્ય છે. મનુષ્યનાં શરીર, બુદ્ધિ, વાસનાઓ, અને ભાગ્ય સૂર્યમંડળના અને ગ્રહોપગ્રહોનાં નાડીચક્રમાં પ્રવર્તે છે. અનેક નક્ષત્રોથી ભરેલી દ્વાદશ રાશિઓના તારામંડળની વચ્ચે ઊર્ણનાભિની જાળ પેઠે સૂક્ષ્મ નાડીચક્ર છે તેમાં સૂર્યમંડળમાંનું ગ્રહમંડળ બંધાઈ સંધાઈ શીવાઈ ગયું છે અને અનન્ત બ્રહ્માણ્ડમાંનાં સર્વ મહત્- અંગને અને અણુઅંગને, જડને અને ચેતનને, કર્મજાળને અને ભાગ્યજાળને, વાસનાજાળને અને ભોગજાળને, આ સર્વ નાડીચક્રોના પ્રવાહોમાં અને પ્રતિપ્રવાહોમાં તરીને અને ડુબીને, પરિપાક પામવો પડે છે. આ નાડીચક્રની નાડીઓમાં પ્રીતિનાં નાડીચક્રોનો અંશરૂપે અંતર્ભાવ છે. સંસારીઓમાં લગ્નાદિકાર્યમાં પુરુષ ધર્મક્રિયામાં પ્રવર્તે અને સ્ત્રી તેને માત્ર પાણિસ્પર્શ કરી સ્થિર ર્‌હે એટલાથી જ એ સ્ત્રીનો ધર્મસહચાર સફલ થઈ શકે છે તે તમે જોયું હશે, શુદ્ધ ધર્મ પ્રીતિથી સંધાયલાં દમ્પતી વચ્ચે આવાં નાડીચક્ર છે, અને સાંકળનો એક છેડો ખેંચ્યે આખી સાંકળ ખેંચાય છે તેમ જન્મસિદ્ધિના નાડીચક્રોરોના બળથી ઉત્કર્ષ પામનાર સ્વામી જોડે પતિવ્રતા પણ આકર્ષાય છે તે બે એક નથે નથાય છે, સમાન પ્રારબ્ધમાં પ્રવર્તે છે, અને સમાન ભાગ્યભોગનું આસ્વાદન કરે છે. સંસારીયોમાં જે