પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૨


શંકા૦– ફલાદેશમાં અને આપણી દૃષ્ટિથી ભાસતા ધર્મમાં વિરોધ આવે ત્યારે શું કરવું ? ફલાદેશ ક્‌હે કે કે કાલ મરવાનું છે અને વ્યવહારદૃષ્ટિ ક્‌હે કે આજ વિવાહ કરવો ત્યારે શું કરવું ?

વિષ્ણુ૦– ધર્મકાર્યની વ્યવસ્થા એવી છે કે અલક્ષ્ય પરમાત્માની લક્ષ્ય દૃષ્ટિ સત્પુરુષના હૃદયમાં સ્ફુરે છે તેને જ પ્રથમ આદર આપવો. એ દૃષ્ટિથી કંઈક ધર્મ આવશ્યક ભાસે છે, કંઈક પદાર્થ અધર્મરૂપજ ભાસે છે, અને અન્ય વસ્તુઓમાં ધર્મ કે અધર્મ કંઈ હોતું નથી. લક્ષ્ય દૃષ્ટિને જે ધર્મ આવશ્યક લાગે તે સર્વથા કાર્ય છે - ફલાદેશ તો શું પણ ગુરુવચનનો પણ તેમાં અનાદર સાધનભૂત હોય તો તે યોગ્ય છે, પ્રલ્હાદે પિતાના વચનનો આ ધર્મકાર્યે અનાદર કર્યો. લક્ષ્ય દૃષ્ટિને અધર્મ લાગે તે એવીજ રીતે સર્વથા ત્યાજ્ય છે. તૃતીય વસ્તુ ગ્રાહ્ય પણ નથી, હેય પણ નથી. એમાં તે મનુષ્ય પોતાના સ્થૂલ સૂક્ષ્મ શરીરોની રસવૃત્તિ પ્રમાણે વર્તવા સ્વતંત્ર છે. એ સ્વતંત્રતાના અધિકારી ઉપર બલાત્કાર ન કરવો - એ જુલમ ન કરવો પણ એ અધિકારીને – તેના પોતાના લખ–અલખ સંસ્કારોને બળે પરિપાક પામવા દેવો એ અલખ સંપ્રદાયનો એક મુખ્ય સિદ્ધાન્ત છે, એવા વિષયમાં ફલાદેશનો શ્રદ્ધાળુ જન શ્રદ્ધા પ્રમાણે વર્ત્તે તો તો ફલાદેશ અશુદ્ધ નીવડ્યે હાનિ થવાનું ભય અને શુદ્ધ નીવડ્યે લાભ થવાનો સંભવ. એ ભય અને સંભવ તે વ્યવહારના વ્યાપારના અંગભૂત છે; સાધુજનો તેમાં ઉદાસીન છે - કારણ વ્યવહારમાં તેઓ સંકોચ-ધર્મ પાળે છે એટલે શરીર આદિના વ્યવહારમાં તેઓ પ્રાપ્ત સ્થિતિને અનુકૂલ થઈ જાય છે અને અપ્રામથી સંકુચિત રહી તેની વાસના રાખતા નથી. વિહારમઠની વ્યવસ્થા આ જ ધર્મ પ્રમાણે રાખવામાં આવે છે. વિહારમઠમાં સૂક્ષ્મ શરીરનાં “લગ્ન થાય છે અને સ્થૂલના મરણનું ભય રાખવામાં આવતું નથી. જો ભગવાન અલખ મદન દમ્પતીને પરિશીલનાદિથી સિદ્ધ કરી વિવાહિત કરવા પ્રયત્ન કરે તો તેમાં ફલાદેશના કે મરણના ભયથી સાધુજનો કમ્પતા નથી, નવીનચંદ્રજીને ચિરંજીવ શૃંગમાં મોકલવા મને એક કાર્ય માટે કલ્યાણ ધર્મ લાગે છે; જ્ઞાનભારતીને બીજા કાર્ય માટે લાગે છે. નવીનચંદ્રજીના કલ્યાણમાં મધુરીમૈયાના કલ્યાણનું નાડીચક્ર ભળેલું હોય તો અલખ પરમાત્માની તે ઇચ્છાને પેલા કલ્યાણ ધર્મને વહન આપનારી ગણવી તે ઇચ્છાથી પ્રતિકૂળ થવું તે અધર્મ છે.

શંકા૦- આપ પરમાત્માની ઇચ્છાને પ્રબળ ગણો છે કે ગ્રહોના નાડીચક્રના અનિવાર્ય વેગને ?