પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૫


વિષ્ણુ૦- આમાં ઘણા ઘણા ગુણોનો આ નરમાં સંયોગ ક્‌હેલો છે અને તે તેમાં હોય તો તેઓ આ મઠનું પરમ કલ્યાણ કરી શકશે. ત્યાગી હોવા છતાં દ્રવ્યથી પૂર્ણતાનો યોગ તો આવા મઠનાં અધિષ્ઠાતાઓમાં જ સંભવે. તેઓ દ્રવ્યવાન હોય - દ્રવ્યનું અધિષ્ઠાન થાય; પણ ભાર મુકવાના સ્થાણ પેઠે દ્રવ્યને માત્ર ભારરૂપે ઝીલે અને સાધુજનોનાં કલ્યાણ કાર્યમાં એ ભારથી મુક્ત થાય અને જાતે ત્યાગી ર્‌હે. આપણા ત્રણે મઠનો નિર્વાહ આ રાજ્યના મહારાજોની કૃપાથી અને લોકની શ્રદ્ધાથી આજ સુધી થયો છે. મહારાજની કૃપાનો આધાર આપણી યોગ્યતા છે – તે યોગ્યતા નષ્ટ થાય તો એ કૃપા ભલે નષ્ટ થાય. પણ એ શ્રદ્ધા હવે લોકમાંથી યુગમાહાત્મ્યને બળે ઘસવાની. લોકના આચાર દિવસે દિવસે અધોગતિ પામતા જાય છે અને તેમની અધેાગત શ્રદ્ધા છે એવી રાખવી હોય તે આપણા સાંપ્રત સંપ્રદાયમાંથી અને આચારમાંથી ભ્રષ્ટ થઈ આપણે ઘેલા લોકના દેશમાં ઘેલા અને ભ્રષ્ટમાં ભ્રષ્ટ થઈએ તો જ બનશે. સુન્દરગિરિ ઉપરના સાધુજનો આજ સુધી એવા વિનિપાતથી મુક્ત રહ્યા છે તે આ લોકની શ્રદ્ધાના લોભમાં તણાઈ એ વિનિપાતને સમીપ આવવા નહી દે. આપણે એ શ્રદ્ધા વિના અને એ લોકના આશ્રયવિના નિર્વાહ કરવાના માર્ગ જેઈએ. સંસારમાં કેવો યુગ પ્રવર્તે છે, તેનો ઉદ્ધાર કેમ કરવો, છતાં તેના સંસર્ગથી કેમ મુક્ત અને દૂર ર્‌હેવું, સુન્દરગિરિનો ઉત્કર્ષ કેમ રાખવો, અને સાધુજનોનો કીયા દ્રવ્યથી નિર્વાહ કરવો એ સર્વે આવા દ્રવ્યયોગવાળા વિદ્યાવાન્, મતિમાન્, પુરુષ વિના બીજાને સુઝે એમ નથી અને માટે જ હું નવીનચંદ્રજીમાં સાધુઓનો ઉત્કર્ષ જોઉં છું.

શંકા૦- ૫ણ યજ્ઞકર્મનું અનુસરણ કરવાનું અલખમાર્ગમાં નથી, નવીનચંદ્રમાં નથી, અને આ શ્લોકમાં આવ્યું.

વિષ્ણુ૦- ક્યા બચ્ચા ? સબમેં શંકા ? આપણા સંપ્રદાયમાં યજ્ઞકર્મ નથી એમ કોણે કહ્યું ? અલખમાં લક્ષ્યની સ્થિતિ કેવી છે તે જણવતાં આપણા ભાષ્યકાર ક્‌હે છે કે લક્ષ્ય વસ્તુ જ્યારે આવિર્ભાવ પામે છે ત્યારે તે યજ્ઞરૂપે જ્વલમાન થાય છે.[૧] આ સંબંધમાં ઘણીક શ્રુતિઓના આધાર આવી પોતે સમજાવે છે કે

एषु मन्त्रेषु पुरुषः पशुः पुरुषो हविः पुरुष एव च
यज्ञ इति योऽयं यज्ञ उक्तः स एव लक्ष्यरुपो यज्ञः
सर्वत्र प्रज्वलति । सैवेयमिष्टिरस्मत्सिद्धान्ते ।
येयं पशुमारमिष्टिरन्यैः क्रियते सा तु निन्द्याऽस्मिन् युगे ।
कलौ त्वेक एवायं लक्ष्ययज्ञो लक्ष्यधर्मधारकः ॥ [૨]
  1. ૧. ભાગ ૩. પૃષ્ઠ ૧૨૧.
  2. ૨. ભાગ ૩. પૃષ્ઠ ૧૨૨.