પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૬


શંકાપુરી ! અલખના લખયજ્ઞનો કર્મવિધિ અવકાશે જ્ઞાનભારતી પાસેથી કે વિહારપુરી પાસેથી શીખી લેવાનો અધિકાર તને આપું છું. એ યજ્ઞકર્મમાં નવીનચન્દ્ર ઉત્તમ કૃતિ કરશે. એ એકલા દ્રવ્યના જ ત્યાગી થઈ તૃપ્ત નહી થાય. તેમનો ત્યાગ અનેકધા સૂક્ષ્મ થશે - દ્રવ્યનો ત્યાગ, દ્રવ્યનો હોમ, દ્રવ્યનો બલિ – એ સર્વ આ સૂક્ષ્મ ત્યાગના યજ્ઞમાં સાધનભૂત થશે, અને મધુરીમૈયાની સૂક્ષ્મ પ્રીતિના યોગનો યોગી એ પ્રીતિમાંથી સ્થૂલ તો શું પણ અનેકધા સૂક્ષ્મ યજ્ઞવિધિ રચી સૂક્ષ્મ આહુતિઓ આપશે, સૂક્ષ્મ ત્યાગ કરશે, અને એ યજ્ઞની સૂક્ષ્મ અલક્ષ્ય ને લક્ષ્ય ઉભય જ્વાલાઓને યદુશૃંગના સાધુજનો એક દિવસે પ્રત્યક્ષ કરશે એવો મ્હારો સિદ્ધાન્ત છે ને એવી મ્હારી શ્રદ્ધા છે. બચ્ચા શંકાપુરી, જે સંસારને ત્હેં ત્યાગ કર્યો છે તેમાં સર્વ પદાર્થ સ્થૂલ દૃષ્ટિથી જોવાય છે તે સંસ્કારનો અને તે અભ્યાસનો ત્યાગ કરી યદુશૃંગ ઉપરના સર્વ પદાર્થોને અધ્યાત્મ દૃષ્ટિથી જોવાના સૂક્ષ્મ સંસ્કારોને પ્રાપ્ત કર અને તે સંસ્કારોને ત્હારા સૂક્ષ્મ દેહમાં અભ્યસ્ત કર.


શંકા૦- જી મહારાજ, પ્રસ્તુત વિષયમાં આપે મ્હારી શંકાઓનું સમાધાન કર્યું છે તેનું હું મનન કરીશ. આપે સૂચવેલા માર્ગથી હું આપની કૃપાનો અધિકતર પાત્ર થઈશ.

શાંતિ૦– જી મહારાજ, હવે કાંઈ મ્હારી શંકાઓનું પણ સમાધાન કરવાની કૃપા કરશો ?

વિષ્ણુ૦- તમારા અધિકારનો વિષય હશે તો તમારું સમાધાન થશે.

શાંતિ૦– પુરુષ અને સ્ત્રીનો એકત્ર એકાંત સમાગમ થવા દેવો અને પછી તેમનાં સ્થૂલ શરીર દૂર ર્‌હેશે એવી કલ્પના સ્થૂલ શરીરની શક્તિથી વિરુદ્ધ નથી ? તે એકાંતમાં મળે એટલે બીજી વાતો ખોટી અને એક વાત ખરી.

“જુવો, જુવો,ભાઈ શંખભારતીને શંકા થઈ ઉઠ, ભાઈ, ઉઠ, બ્હાર જઈએ ને ત્હારી વિડમ્બનામાંથી ગુરુજીને મુક્ત કરીયે. હું ત્હારું સમાધાન કરીશ.” શંકાપુરીએ કહ્યું.

શાંતિ૦- હવે તું તે શું સમાધાન કરવાનો હતો ? ઘરની સ્ત્રીનો ત્યાગ કરી બિન્દુમતીનું પરિશીલન કરતાં ફાવ્યો નહી તે જ તું કે નહી ?

“ખરેખરો શંખભારતી છે. કુટ માથું ” શંકાપુરી એક પાસે મૌન રાખી બેઠો. જાનકીદાસે હસવા માંડ્યું, જ્ઞાનભારતીને કંઈક ક્રોધ થયો વિહારપુરી ચમક્યો. વિષ્ણુદાસ શાંત રહી સાંભળી રહ્યા ને અંતે બોલ્યા.