પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૭


“શાંતિદાસ, ઉત્તમ ગ્રહદશાને બળે કોઈક મહાત્માઓનો સંયમ એવે કાળે પણ અચળ રહી શકે છે, અધમ ગ્રહદશાને બળે કોઈક દુષ્ટ જનો સ્ત્રીશૂન્ય દેશમાં પણ સ્ત્રીયોને ફસાવે છે અને વિષયને શોધે છે. સંસારીયોનો તમને અનુભવ છે તેમાં મ્હોટો ભાગ મધ્યમ પક્ષનો છે – તેમને સ્ત્રીપુત્રની વાસના હોય છે, તેમનામાં પાશવ કામ સર્વદા જાગૃત હોય છે, અને એ કામ વિના અન્ય કામને તેઓ ઓળખતા નથી, માટે જ ગમે તે સ્ત્રી અને ગમે તે પુરુષનો યોગ રચી – તે યોગને વિવાહનું નામ આપી – તેથી તૃપ્ત થાય છે. જે સૂક્ષ્મ પ્રીતિથી મનુષ્યની સ્થૂલ વાસના સૂક્ષ્મ સંયમને વશ થાય છે તે પ્રીતિનું કે સંયમનું સંસારને ભાન નથી માટે જ ત્યાં સ્ત્રીપુરુષ પરસ્પર વિશ્વાસ કરતાં નથી અને એકબીજાથી ડરતાં ફરે છે. વિહારમઠમાં તો વિવાહિત અને ગૃહસ્થ સાધુઓને અમુક મર્યાદામાં સંયમ પાળવા પડે છે; અને મૂર્ખ સંસારીઓ બહુધા અનિયમને સ્થાને નિયમ પાળે છે, ને નિયમને સ્થાને અનિયમ પાળે છે, ત્યારે કામશાસ્ત્રનું સૂત્ર છે કે शरीरस्थितिहेतुत्वादाहारधर्माणो हि कामा: फलभूताश्च धर्मार्थयोः એ સૂત્રમાં समर्थाश्चालक्ष्यसूक्ष्माववोधने એટલો પાઠ વધારી તેનું રહસ્ય સારી રીતે સમજી લેઈ વિહારમઠનાં દમ્પતીયો એ શાસ્ત્રની મર્યાદામાં વિહરે છે, અને એ દમ્પતીઓ પોતાનાં સ્થૂલ શરીરને પણ વૈદ્યકશાસ્ત્રની અને કામશાસ્ત્રની નિયન્ત્રણાઓને વશ રાખે છે. આથી સ્ત્રીપુરુષનો સંબંધ અંહી અધ્યાત્મ ગણાય છે ને સ્ત્રીનો ઉત્કર્ષ પુરુષથી ન્યૂન ગણાતો નથી. નવીનચંદ્રજી તમારા સંસારમાંથી આવ્યા છે, તે છતાં આ વિષયોમાંના ઉત્કૃષ્ટ ભાગ તેમને હસ્તામલક જેવા છે, તેમને સૂક્ષ્મ પ્રીતિમાં અને સૂક્ષ્મ ત્યાગમાં જન્મસિદ્ધિ છે, તેમના ઉત્તમ ગ્રહ પણ એમને એમાં શક્તિ આપે છે, અને ભ્રષ્ટ સંસાર વિના અન્ય પદાર્થના જ્ઞાનવિનાની તમારી બુદ્ધિ જે સમાગમની કલ્પનાથી કમ્પે છે તે સમાગમકાળે, ઉર્વશી પાસે અર્જુને દર્શાવ્યો એવા સ્વભાવસિદ્ધ સંયમમાં, અચળ ર્‌હેવાની નવીનચંદ્રજીને શક્તિ છે એવું મ્હારું ગણિત છે. યદુશૃંગ ઉપરના સાધુઓ સ્ત્રીપુરુષોને અધ્યાત્મ દૃષ્ટિથી જુવે છે અને તેમના સ્થૂલ વિકારોને અધર્મ્ય વિકાસ આપવા દેવાના માર્ગ બંધ રાખવામાં આવે છે અને ધર્મ્ય પરિણામ પામવામાં અંકુશ રાખવામાં આવતો નથી – માટે જ આ ઘડીએ ચન્દ્રાવલીમૈયા નવીનચન્દ્રજી સાથે અત્યારે સર્વ સાધુજનોને વિદિત રહી એકાંત ગોષ્ઠી કરવા ગયાં હશે તે છતાં તેમની પવિત્રતા ઉપર શંકાપુરીને પણ શંકા થઈ નથી. તમારા સંસારમાં તો એવા બનાવથી, – મધપુડો