પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨

“તમે વળી ગુણીયલને કયાં આપ્યો ? એને વાંચતાં વાર લાગશે ત્યાર પ્‍હેલાં તો તમે અર્થ પણ સમજાવી ચુકયા હત !” ઓઠ ફફડાવતી કુસુમ બોલી.

ગુણસુંદરી વાંચતી અટકી નહી. એના ખભા પાછળથી સુંદર એ પત્ર ઉપર દૃષ્ટિ નાંખવા લાગી. ચંદ્રકાંત હસતો હસતો બોલ્યોઃ “ પણ મ્‍હારી બે સરતો પુરી કરો ત્યાર પછી હું સમજાવું કે નહી ?”

“વારુ, ચંદ્રકાંતભાઈ, તમે વળી સરતો ક્યાં નાંખી ? સમજાવો ને જ એટલે ઝટ પાર આવે. ” કવિતાના અર્થભોગની આતુર મુગ્ધા વિલંબનાં નિમિત્ત સહી શકી નહી.

“અમારી સરતો તો ખરી. તમે અમારી સરત પાળો તો અમે તમારી પાળીયે.”

“ચાલો–ત્યારે. પણ ગાયા વગર વાંચું તો ? ”

“ના. એ તો સરત પુરેપુરી પાળો.”

કુસુમ લજજાવશ થઈ અને એના ગાલ ઉપર જણાઈ આવી. લજજા અને જિજ્ઞાસાનાં પરસ્પર - વિરોધક આકર્ષણ વચ્ચે ખેંચાતી મુગ્ધાના રમણીય મનોવિકાર તેની મુખમુદ્રા ઉપર દોલાયમાન થતા ચંદ્રકાંતે જોયા, અને એ સુંદર જ્યોત્સનાના દર્શનથી શ્રમિત અાંખે ઝળઝળીઅાં આવ્યાં હોય એવો એ થઈ ગયો ને મનમાં ક્‌હેવા લાગ્યો : “સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ! આ રમણીય સૃષ્ટિને ત્યજી તું ક્યાં ભરાઈ ગયો છે? – અરેરે! – “ થીઓસોફિસ્ટ” મત પ્રમાણે ત્‍હારા લિંગદેહને અત્રે મોકલી આ કૌતુક જોવાની શક્તિ તો આપ ! ત્‍હારા શબ્દો અને ત્‍હારા વિચાર સ્થળે સ્થળે અલાદીનની મુદ્રા પેઠે કેવાં સત્વ ઉભાં કરે છે તે જો તો ખરો !”

લજજાનો જિજ્ઞાસાએ પરાજય કર્યો, અને નીચું જોઈ રહી, અત્યંત બલાત્કારથી – હઠયોગથી – લજજાને ઉરમાં ડાબી નાંખી, જિજ્ઞાસુ મુગ્ધા ગાવા સારુ ઓઠ ઉઘાડવા સ્પષ્ટ પ્રયત્ન કરવા લાગી. તે ઓઠનો પ્રયત્ન દેખતો ચંદ્રકાંત મનમાં ગણગણ્યો –“ द्दिदलकन्दलकम्पनलालितः ॥"

ઓઠમાંથી સ્વર નીકળે ત્યાર પ્‍હેલાં સુન્દરગૌરી હસી પડી, કુસુમની મનદોલાને હીંદોળવા લાગી, અને એના કાનમાં ક્‌હેવા મંડી:

“કુસુમ, મ્‍હારી કુસુમ,– નથી સાકર ગરજ સમાન ગળી.”

જાગેલા જેવી કુસુમ કાકીને ધક્કો મારી બોલી : “શું કાકી ! અમથું અમથું શાને માટે આવું બોલતાં હશો જે?”