પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૩

અને એ જ્યોતિ છે, આ દેશના સંસારીયો સ્ત્રીપુરુષમાં જે ભેદ સ્વીકારે છે તે આપના ચરણમાં આવ્યા પછી હું કેવળ ભુલી જ ગયો છું.”

વિષ્ણુ૦– નવીનચંદ્રજી એ, ભક્તિથી અને એ પ્રયત્નથી યદુશૃંગનું સર્વ સાધુમંડળ તમારા ઉપર સુરક્ત થયું છે.

સર૦– તેમની સાધુતા હું પગલે પગલે અનુભવું છું.

વિષ્ણુ૦– નવીનચંદ્રજી, સાધુવૃત્તિનું પરમ રહસ્ય તમે તમારા સ્વભાવની શુદ્ધતાથી અપ્રયત્ને પામ્યા.

સર૦– સંસારે બીડાવેલા હૃત્પદ્મને સાધુસમાગમ સૂર્ય પેઠે ઉઘાડે છે અને તેમાં પોતાના કિરણને ભરે છે.

વિષ્ણુ૦– સૂર્યકિરણ તો સર્વત્ર પડે છે પણ કમળપત્ર જ તેના સંસર્ગને સફલ કરી શકે છે.

સર૦– સંસારના ઉચ્ચનીચ પ્રપંચોની રચનામાં પોતાના કીયા સ્ફુલિંગને કેટલી શકિત આપવી એ લક્ષ્યસ્વરૂપના ઈશ-આત્માની ઇચ્છાની વાત છે.

વિષ્ણુદાસ અતિ પ્રસન્ન થયા અને બોલ્યા.

“નવીનચંદ્રજી, તમારા ઉત્તર સાંભળવાને મને એટલો લોભ થાય છે કે કરવાની વાત ભુલી હું બીજા પ્રસંગોમાં ઉતરી જાઉં છું. તમારે માટે મ્હારા મનમાં હું એક નવી યોજના એવી ધારું છું કે કાલથી થોડા દિવસ લાગટ હું યોગસ્થ રહીશ અને તેટલો કાળ તમારે ચિરંજીવશૃગપર એકાંતમાં ગાળવો.

સર૦- આપની આજ્ઞા કે ઇચ્છાને અનુકૂળ થવા મ્હારું ચિત્ત મૂળથી જ તત્પર છે તેમાં ચંદ્રાવલીમૈયાને આ વિષયમાં તો કાલ હું પ્રતિજ્ઞા આપી ચુકયો છું એટલે મ્હારે દ્વિગુણધર્મબન્ધનથી આપની ઇચ્છાને અનુસરવાનું છે.

વિષ્ણુ૦– ચંદ્રાલીમૈયાની ઇચ્છાએ ધર્મ અને કલ્યાણ જ હોય છે એવી અમારી અચલ શ્રદ્ધા છે. એમણે પોતાની ઇચ્છા તમને સકારણ દર્શાવી હશે; મ્હારી ઈચ્છા બીજા કારણથી છે.

સર૦–તેમાં પણ आज्ञा गुरुणामविचारणीया.

વિષ્ણુ૦– એ સૂત્ર સંસારમાં તેની વ્યવસ્થાને માટે અમુક મર્યાદામાં કલ્યાણકારક છે. પણ આ સ્થાને તો “ આજ્ઞા ” શબ્દનો વ્યવહાર સાધુ- જનની સુશીલતાનું જ ફળ છે. આ સ્થાનના ગુરૂજન શિષ્યવર્ગમાં