પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૫

ગૃહસ્થપદનો અધિકારી કોણ ? પિતા, પત્ની, ગુરુ, અને પોતે – એ ચારના અભિપ્રાયમાં ભેદ હોય ત્યારે વધારે અધિકાર કોનો? સ્ત્રીનો નિષ્કારણ અને અપ્રતીકાર્ય ત્યાગ કરનારનું પ્રાયશ્ચિત્ત શું ? સંસાર, ધર્મ, અને શાસ્ત્ર એ ત્રણનું સંઘટ્ટન થાય ત્યારે જયનો અધિકાર કોને ? વૈરાગ્ય, રસ, અને ધર્મ એ ત્રણના સંઘટ્ટનકાળે જયનો અધિકાર કોને ? આ ભેખના ત્યાગને અધોગતિ ગણવી કે નહીં ? એ ત્યાગનો અધિકાર કોને ખરો ને કોને નહી? સંસારે બંધાવેલા સંપ્રત્યયથી ઉત્પન્ન થયેલા ધર્મનાં બંધન આ સ્થાનની પવિત્ર પ્રાપ્તિથી કયારે અને કેવી રીતે છુટે છે ? અનેક લોકના અનેક વર્ગમાં સનાતન સામાન્ય અપ્રતિહત ધર્મ કીયો ?

આનો ઉત્તર મળતા પ્હેલાં બ્હારથી કાંઈ સ્વર સંભળાયા, અનેક સાધુઓ સંભ્રમમાં પડી ઉતાવળા ચાલતા કે ઉઠતા હોય એવા ઘસારા સંભળાયા અને તેની સાથે બુમ પડી કે “યદુનન્દનકો જય | ચન્દ્રાવલીમૈયાકો જય !” તે બુમો બંધ પડતા પ્હેલાં મંદિરની ઘંટાઓનો સ્વર સંભળાયો. થોડી વારમાં કુમુદસુંદરીને અને દશ બાર સાધ્વીજનને સાથે લેઈ, તારાઓને અગ્રભાગે શુક્રના તારાને સાથે રાખી ઉભેલી ચન્દ્રલેખા જેવી, ચન્દ્રાવલી વિષ્ણુદાસજીના આ આશ્રમભાગમાં આવી. વિષ્ણુદાસ વિના સર્વ મંડળ ઉભું થયું અને ચન્દ્રાવલીને નમસ્કાર કરવા લાગ્યું સર્વને અને ગુરુજીને નમસ્કાર કરતું, લજજાથી ગાલ ઉપર રતાશ ધરતું, નમાવેલાં મુખકમળની માળા જેવું, સાધ્વીમંડળ વિષ્ણુદાસ પાસે આવી ઉભું રહ્યું. ચન્દ્રાવલી કંઈક ફળપુષ્પ વિષ્ણુદાસજીના ચરણ પાસે મુકી પાછી આવી ઉભી, વિષ્ણુદાસ અંતે હાથ ઉંચો કરી સર્વને આશીર્વાદ દેતા બોલ્યા.

"स्वागतं भवतीनां परमं यच्छाश्वतमलक्ष्यं भद्राणामपि भद्रं तदस्तु सर्वासां वः।"[૧]

"ચન્દ્રાવલીમૈયા, સર્વેને લઈ સ્વસ્થ બેસો અને આ સાધુસ્થાન પાસેથી કેવો સત્કાર લેઈને તેને તે સત્કાર આપવાનું અધિકારી ગણવાની કૃપા કરો છો?”

એક પાસ સાધુએ બેઠા. બીજી પાસ ચન્દ્રાવલી અને તેનું મંડળ બેઠું. સરસ્વતીચંદ્રને આ દેખાવમાં વિચિત્ર ભવ્યતા લાગી. અંચળા અને જટાવાળા એક પાસ પ્રચણ્ડ અને પુષ્ટ જ્ઞાની બાવાઓ, સામી હારમાં સર્વાંગી એકેકું ભગવું વસ્ત્ર ધરનારી સ્ત્રીઓ અને તેને અગ્રભાગે કુમુદ


  1. આપ સાધ્વીજનો ભલે પધાર્યા ! ભદ્રોનું પણ ભદ્ર જે પરમ શાશ્વત અલક્ષ્ય છે તે આપ સર્વેનું હો !