પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૭

ધર્મસંગ્રહ રચેલો છે તે આપણા ભણ્ડારમાં તમે જોયો હશે. જ્ઞાની પુરુષ કૃતકૃત્ય મુક્ત થયા પછી તેનું પોતાનું પોતાની જાતને માટે કાંઈ કર્તવ્ય નથી પણ તેની પ્રવૃત્તિ માત્ર લોકસંગ્રહને માટે જ કહી છે. પણ લોક- સંગ્રહ કેવી પ્રવૃત્તિથી થાય છે તે આપણા લક્ષ્યધર્મસંગ્રહમાં જ વર્ણવેલુ છે. સાધુજન સ્વભાવે સંતુષ્ટ છે અને સંસારનો ત્યાગ કર્યા પછી સુન્દરગિરિ ઉપર માત્ર પોતાની સંસિદ્ધિને માટે આમરણાન્ત પ્રવૃત્તિ કર્યા કરે છે જે વિદ્વાન સાધુ સંસિદ્ધ જ હોય તેને તો તે અર્થે પણ પ્રવૃત્તિ નથી. તેનું વચન તો એટલું જ છે કે,-

[૧]"प्रारब्धकर्मणि क्षीणे व्यवहारो निवर्तते
कर्मोक्षये त्वसो नैव शाम्येद् ध्यानसहस्रतः ॥
विक्षेपो नास्ति यस्मान्मे न समाधिस्ततो मम
विक्षेपो वा समाधिर्वा मनसः स्याद्विकरिणः ॥
नित्यानुभवरुपस्य को मे वानुभवः पृथक्
कृतं कृत्यं प्रापणीयं प्राप्तमित्येव निश्चयः ॥

"જ્ઞાનીને આમ વ્યવહાર નથી તે પોતાને માટે નથી; પણ જગતના કલ્યાણને માટેની તેની પ્રવૃત્તિ નષ્ટ નથી થતી."

[૨]"व्यवहारो लौकिको वा शास्त्रीयो वान्यथापि वा ।
ममाकर्त्तुरलेपस्य यथारब्धः प्रवर्त्तताम् ॥
अथवा कृतकृत्योऽपि लोकानुग्रहकाम्यया ॥
शास्त्रीयेणैव मार्गेण वर्त्तेहं का मम क्षतिः ॥

"જગતનું કલ્યાણ કરવાનું તેનું કારણ શું ? પરમ અલક્ષ્યના દર્શનથી મોક્ષ થાય છે એ સત્ય છે, પણ એ તો માત્ર સૂક્ષ્મ અને વાસના


  1. પંચદશી.- “પ્રારબ્ધ કર્મ ક્ષીણ થતાં વ્યવહાર નિવૃત્ત થાય છે અને કર્મનો ક્ષય થયો નથી ત્યાં સુધી સહસ્ત્ર ધ્યાનથી પણ વ્યવહારશાન્તિ થવાની જ નથી. મ્હારે કોઈ વિક્ષેપ નથી તે મ્હારે સમાધિ પણ નથી વિક્ષેપ અને સમાધિ તે વિકારી મનને માટે છે. અથવા હું જાતેજ નિત્યાનુભવરૂપ છું, તેને જુદા અનુભવ તે શો ? મ્હારો તો એવો જ નિશ્ચય છે કે કરવાનું હતું તે કરી લીધું અને મેળવવાનુ હતું તે મેળવી લીધું છે.
  2. હું જાતે અકર્તા છું, અલેપ છું ! તે મ્હારો વ્યવહાર લૌકિક હોઈને કે શાસ્ત્રીય હોઈને, કે અન્યથા પણ જેવો પ્રારબ્ધ છે તેવો, પ્રવર્તો. અથવા હું કૃતકૃત્ય છું, તોપણ લોકઉપર અનુગ્રહ કરવાના કામથી શાસ્ત્રીય માર્ગે જ હું વર્તું તો તેમાં કાંઈ ક્ષતિ નથી. પંચદશી.