પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૮

શરીરનાં વાસનાજન્ય સુખદુઃખાદિથી થતા શોકહર્ષાદિમાંથી મુક્ત થવાય છે. કારણ આત્મા તો બદ્ધ કે મુક્ત કંઈ નથી. સ્થૂલસૂક્ષ્મ તો કર્મવિપાકની પૂર્ણાહુતિથી જ છુટે છે.


"प्रियेषु स्वेषु सुकृतमाप्रियेषु च दुष्कृतम् ।
विसृज्य ध्यानयोगेन ब्रह्माभ्येति सनातनम् ॥" [૧]


સંસારીયોમાં પ્રિય - અપ્રિય હોય તેમાં આ શાસ્ત્ર સત્ય હો. પણ સાધુજનને તો અપ્રિય કોઈ નથી. પણ સંસારમાં તેમનો પણ દ્વેષ કરનાર હોય છે. ને તેમને માટે તો શ્રુતિ વચન છે કે. -


तस्य पुत्रा दायमुपयन्ति सुहृदः साधुकृत्यम् द्विषन्तः पापकृत्यम् ॥ [૨]


“લક્ષ્ય સંસારમાં કંઈ નષ્ટ થતું નથી, પણ સર્વ વસ્તુઓ સ્વયોનિમાં શાંત થાય છે માટે લક્ષ્યરૂપમાંથી મળેલી કર્મજન્ય સંપત્તિવિપત્તિઓનો એજ તેમના યોનિ સ્વરૂપમાં હોમ કરવાથી કર્મજાળ શાન્ત થાય છે અને સ્થૂલ સૂક્ષ્મ દેહ છુટે છે. આ વિધિ ધીમે ધીમે ધૈર્યથી પામવાનો છે; એનું ફળ સહસા કેવળ જ્ઞાનથી હાથમાં આવે એમ નથી. બીજી શ્રુતિ કહે છે કે.-


भूतेषु भूतेषु विचित्य धीरा: प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥[૩]

“ સાધુજને ધીરે ધીરે પોતાની પ્રવૃત્તિથી પોતાની શક્તિ-સમૃદ્ધિ ભૂતમાત્રમાં સંક્રાંત કરી દેવી અને લક્ષ્યરૂપમાંથી સ્થૂલરૂપે લીધેલા શરીરરત્નને ઉત્તમ સંસ્કારોથી પરિપકવત્ સૂક્ષ્મરૂપ આપી લક્ષ્યરૂપનાં ભૂતસંગ્રહરૂપ શરીરને ખોળે પાછું સોંપી દેવું – એ જ શરીરબંધનની બાણગતિનો શુદ્ધ સંસિદ્ધ અસ્ત છે, ભૂતમાત્રરૂપ યજ્ઞમાં સ્થૂલ સૂક્ષ્મ શરીરોનો તેમની પ્રવૃત્તિયો સાથે હોમ થાય એ જ અલખનો લખયજ્ઞ છે."


  1. પોતાના પ્રિયજનને સુકૃતનું અને અપ્રિયજનને દુષ્કૃતનું દાન કરી દેઈ ધ્યાનયોગવડે યોગી સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે. મનુ.
  2. તેના પુત્રો વારસાને પામે છે, સુહૃદયવાળા એટલે તેના મિત્રો તેના સાધુકૃત્યને પામે છે, ને તેના દ્વેષ કરનારા તેના પાપકૃત્યને પામે છે.
  3. આ ભૂતોમાં વેર્યું, તે ભૂતોમાં વેર્યું, એમ ભૂતોમાં (પોતાનાં કૃત્ય અને સમૃદ્ધિઓને ) વેરતાં વેરતાં ધીર (મહાત્માઓ) આ લોકમાંથી નીકળી અમૃત થાય છે. (કેનોપનિષદ્)