પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૨


અલક્ષ્ય રહે છે અને તેની સામગ્રી સૂક્ષ્મ હોય છે, સંસારના યજ્ઞ ઘણું ખરું સકામ હોય છે અને નિષ્કામ હોય છે ત્યારે પણ પોતાના કલ્યાણને જ માટે હોય છે, દેહના કલ્યાણને માટે હોય છે કે પોતાના જીવના કલ્યાણને માટે હોય છે અને લોકનું કલ્યાણ એ તો માત્ર આ આત્મકલ્યાણનું સાધન જ હોય છે. પિતા, પુત્ર, વગેરે સર્વ પદાર્થો તો શું પણ બ્રહ્મ જાતે પણ આત્માના જ કામને માટે પ્રિય છે એવું યાજ્ઞવલ્કય-વચન[૧] આ સંસારીયોનાં જ હૃદયને માટે છે. સાધુજનોનાં હૃદયમાં તો આત્માને માટે પણ કામ નથી અને અનાત્માને માટે પણ નથી. તેમના ધર્મ તો કેવળ નિષ્કામ લોકકલ્યાણાર્થ યજ્ઞરૂપ જ છે. ધર્મ જગતનું ધારણ કરે છે, અને ધર્મનું ધારણ પરમાત્મ પરમ અલક્ષ્યનું લક્ષ્યસ્વરૂપ પોતે કરે છે, માટે જ એ લક્ષ્યસ્વરૂપ લક્ષ્ય પુરુષરૂપનાં ધારેલા ધર્મયજ્ઞની અંશભૂત જ્વાળાઓ જેવા યજ્ઞોને સાધુઓનાં જીવસ્ફુલિંગ રચે છે, જે સંસારના મૂળ પાસે બ્રહ્માને, અને મુખ પાસે શિવને, નામે ઈશ્વરનાં રૂપ હિમાચળ અને સમુદ્ર જેવાં ગણેલાં છે તે બે વચ્ચેની સંસારગંગાના આખા પ્રવાહને પાળનાર એ જ ઈશ્વરનું વિષ્ણુનામે અભિમાન રાખી આ મઠ તેને પૂજે છે. એ આભિમાનિકી પ્રીતિને પાત્ર લક્ષ્ય પુરુષ વિષ્ણુ પરમાત્મા સંસારમાં વ્યાપી રહી સંસારના ધર્મનું પાલન કરે છે."

" [૨]त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ।
“अतो धर्माणि धारयन् ॥
[૩]विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे ।
“इन्द्रस्य युज्यः सखा ॥

“ એ પરમ પુરુષ જાતે જ યજ્ઞરૂપે પ્રજ્વલમાન થાય છે અને આર્યોનો સનાતન ધર્મ એમાંથી જ પ્રભવ પામે છે."


  1. ૧. બૃહદારણ્યક ઉપનિષદ્
  2. ર. કોઈને હાથે જેની હિંસા થાય એમ નથી એવા પૃથ્વીપાલક વિષ્ણુએઆ ત્રિલોકમાં ધર્મનું ધારણ કરતાં કરતાંજ તેમાં ત્રણ પગલાંથીવિક્રમ કર્યો.
  3. ૩. જેનાથી યજમાનો યજ્ઞવ્રતનો સ્પર્શ કરી શકે છે એવાં વિષ્ણુનાં પાલકકર્મ જુવો ! યજ્ઞના ઈન્દ્રના તે યોગ્ય સહાય છે.