પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૫


“ આ વેદીને, પશુને, અને યજ્ઞસામગ્રીને, સંભૃત કરવા જે જે શુભ પદાર્થો જોઈએ તે તે કેવી રીતે વસાવવા? સંસારીયોના યજ્ઞમાં કાષ્ઠ, ધૂત, આદિ સામગ્રી સંભાર જોઈએ તેમ સાધુજનોના યજ્ઞસંભારમાં સુંદરતા, રસ, પ્રીતિ, ભક્તિ, આદિ ગુણો અને ભિક્ષાદિને માટે જોઈતો સંગ્રહ જોઈએ છીએ. રાજસી વૃત્તિવાળો સંસારી જેટલા ઉત્સાહ અને પ્રયત્નથી ધર્માર્થકામ માટે ઐહિક પદાર્થોને અને શક્તિઓનો સંગ્રહ કરે છે અને તેમના ભોગમાં પ્રવૃત્ત થાય છે તેવા અને તેટલાજ ઉત્સાહ અને પ્રયત્નથી પણ સાત્વિક વૃત્તિથી સાધુજનો પોતાના આવા યજ્ઞસંભારની વિવૃદ્ધિને માટે તેના પોતેજ ભોક્તા હોય એમ પ્રવૃત્ત થાય છે. એ પ્રવૃત્તિથી આ સંભાર કેવી રીતે સંગ્રહાય છે એ જોવાનું હવે રહ્યું. બાલક જ્યારે ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે તેના મુખને ભોજનની કે પાનની શક્તિ હોતી નથી. તેવે કાળે નાળબન્ધનને દ્વારે બાળકના ઉદરમાં માતાના ઉદરમાં પક્વ થયલો પોષણસંભાર પ્હોચેછે તેમ સ્થૂલ-સૂક્ષ્મ શરીરની ઈન્દ્રિયો દ્વારા અને સૂક્ષ્મ શરીરની પ્રવૃત્તિઓ દ્વારા પૃથ્વીમાતાના ઉદરમાં ઐહિક સંપત્તિઓને રૂપે પક્વ થયલો યજ્ઞસંભાર સ્થૂલ સૂક્ષ્મ શરીરોમાં પ્હોચેછે અને યજ્ઞની વેદીને અને યજ્ઞના પશુને તેમ યજ્ઞ ઉપરના અગ્નિને સર્વ સ્થૂલ સૂક્ષ્મ સાધનોથી સંભૂત ને ભૂષિત કરે છે. પરમ લક્ષ્ય પુરુષની સર્વવ્યાપિની અલક્ષ્ય જ્વાલાઓ દશે દિશાએ લાગી રહી છે તે જ્વાલાઓ આવાં સંભૃત શરીરોનો જ સ્પર્શ કરે છે અને જીવસ્ફૂલિંગના પંચમહાયજ્ઞ ત્યારે જ આરંભાય છે."

“એ યજ્ઞોમાં પ્રથમ પિતૃયજ્ઞ છે, સંસારને માટે આ યજ્ઞ જુદો છે ને સાધુજનોને માટે જુદો છે. સંસારીજનને પુત્રપિત્રાદિ સંબંધ પ્રાપ્ત થાય છે અને પિતૃવર્ગ આયુષ્યમાન હોય તો તેમની પ્રત્યક્ષ તૃપ્તિ માટેનો યજ્ઞ છે અને તે પછી તે તેમનાં સૂક્ષમ શરીરની પરોક્ષ તૃપ્તિને માટે છે. પ્રત્યક્ષ તૃપ્તિ પુત્રને જ પરમાર્થરૂપ છે પણ પિતામાતાદિ આ તૃપ્તિના અભ્યાસથી તેનાં લોભી થાય છે અને તેમનાં પોતાનાં સૂક્ષ્મ શરીરોની એવી કામનાઓથી અધોગતિ થાય છે. તેમની કામનાઓને અતિતૃપ્ત કરવા જેવા પિતૃયજ્ઞ પુત્રો આરંભે તો બીજા ચાર યજ્ઞોમાં તેમની પ્રવૃત્તિ યથોચિત થઈ શકતી નથી અને તેનું પાપ એવી તૃપ્તિની કામનાવાળાં પિતામાતાને લાગે છે. એટલું જ નહી પણ એ કામનાઓના અભ્યાસથી પિતામાતાના પોતાના