પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૭

જુવે છે, અને કૈવલ્ય પામેલા સાધુનું શ્રાદ્ધ તેના ગુણકીર્તનથી ને જ્ઞાનેલેખથી જ કરે છે.

“આ પિતૃયજ્ઞને સ્થાને આપણે ત્યાં મઠયજ્ઞ ગણાય છે. પુત્રશરીરમાંનાં પશુવેદીઆદિ યજ્ઞસમર્થ થાય ત્યાં સુધી પિતામાતા પુત્રપુત્રીનું આતિથેય કરી તેનું પાલનવર્ધન કરે છે અને તે પછી તેને આ અલખમઠોને દત્તક આપે છે અને પોતાના અધિકારનો ત્યાગ કરે છે. આવા પુત્રને માત્ર મઠયજ્ઞ કરવાનો ર્‌હે છે ને સર્વ પિતૃયજ્ઞના ધર્મથી તે મુક્ત થાય છે. સાધુસત્કાર, ગુરુસત્કાર, આશ્રમસત્કાર, મઠસત્કાર, શ્રીયદુનન્દનસત્કાર, આદિ ધર્મોમાં પ્રવૃત્ત રહી સાધુજન મઠયજ્ઞ યાવદાયુષ્ય અખણ્ડ રાખે છે. માતાપિતા અને પુત્ર વચ્ચે સંસારે જે ધર્મ પળાવવા ઉત્તમ છે પણ સ્વાર્થી વાસનાઓને બળે જેને સંસાર પાળતો નથી તે ધર્મ સાધુવૃન્દ અને સાધુઓ વચ્ચે અધ્યાત્મદ્રષ્ટિથી પળાય છે."

“મઠયજ્ઞ કરતાં વધતા કાળમાં સાધુએ મનુષ્યયજ્ઞ કરવાનો છે. મનુષ્યની તૃપ્તિને માટે આ યજ્ઞ સધાય છે. સાધુઓ યજમાન પણ પોતે થાય છે અને યજ્ઞપશુ પણ પોતે જ સૂક્ષ્મશરીરથી થાય છે. આ યજમાન પોતાની પાસે આવનાર મનુષ્યમાત્રને તૃપ્ત કરવાનો યજ્ઞ માંડે છે. સમષ્ટિ પરમાત્મામાંથી જીવસ્ફુલિંગ તનખા પેઠે ફુટવા માંડે અને અનેક સ્થૂલ સૂક્ષ્મ શરીરોને વાહન કરી અનેક ભવોમાં લોકયાત્રા કરે એટલામાં એને પોતાના જેવીજ લોકયાત્રા કરનાર અનેક સ્ફુલિંગોનો માર્ગમાં સમાગમ થાય છે. એ યાત્રાને કાળે અનેકધા તેની પાસે નવાં નવાં મનુષ્યો આવે છે; આ લોકમાંથી આવે છે તેમ પરલોકમાંથી પણ આવે છે. પરલોકમાંથી પુત્રપૌત્રાદિરૂપે આવે છે; આ લોકમાંથી અતિથિ[૧]રૂપે આવે છે,મિત્રરૂપે આવે છે. સ્ત્રીરૂપે આવે છે, કુટુમ્બરૂપે આવે છે, અને વ્યવહારાદિમાં પડતા અનેક સમ્બન્ધોને નિમિત્તે આવે છે. કેટલાંકે મનુષ્ય આપણે ત્યાં આવતાં નથી પણ આપણને આપણા પ્રવાસમાં માર્ગે બોલાવે છે અને તેમનો સત્કાર કરવાનો પ્રાપ્ત થાય છે; માતાપિતાના મન્દિરમાં આપણે પરલોકમાંથી પ્રાપ્ત થઈએ છીએ અને આપણે તેમના અતિથિ થઈએ છીએ. જ્યાં સુધી આપણી બાલ્યાવસ્થામાં આપણે યજ્ઞ કરવાને સમર્થ નથી થતા ત્યાં સુધી આપણે માતાપિતાનાં અતિથિ થઈએ છીએ, અને યાગશક્તિ આવતાં અતિથિ મટી યજમાન થઈએ છીએ અને તેઓને


  1. ૧. પરોણા, મેમાન