પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
“મચી રહ્યો કોલાહલ આજે, દશે દિશે ગાજે !
“તે તળે સરે કો ભિન્ન ચિત્ર સંસાર ! જગત ના જાણે ! ૧
“તરી રહે ઉપર વ્યવહાર,
“સઉ સરી જતા જ પ્રવાહ,
“સઉ દિવસ ભભુકતો તેજે,
“રવિ સળગી રહે જગદેહે,
“તે નીચે નિશા નિજ ખેલ જમાવતી, અંધ સોડ્યું વાળી!
“સ્ત્રીચરિત કરતી નિશા દિવસનું રૂપ ધરી આ જામી ! ૨
“નભ ઉડુગણથી ઉભરાતું,
“તિમિરોદર ઘણું ઉપસાતું,
“ઉર ચિત્ર સ્વપ્‍ન ભણી ધાતું ,
"જગ મદનતન્ત્રી ધરી ગાતું : –
“તે નહી દેખું, નહીં શુણું, રજનિ જ્યાં રૂપ દિવસનું ધારે;
“ઓ રજનિ ! ધુંઘટ ઉઘાડ! નીરખવા તને ચિત્ત લલચાયે. ૩
“એ રજનિ ! ત્‍હારે કાજ
“મુકી દઈશ હું આ સઉ સાજ !
“ઓ રજનિ ! જોવા તુંને,
“આ બુદ્દબુદ ફોડીશ હું તે !
“ગૃહજાળ, લક્ષ્મીની જાળ રચી મુજ શિરે રહે બુદ્દબુદને ;
“ એ બુદબુદ ફોડી, તોડી બન્ધીના બન્ધ, જોઈશ હું તુંને. ૪
“ઓ રજનિ ! જોવા તુંને મુને અભિલાષ ઘણો છે આજે !
“બહુ બહુ વર્ષ અભિલાષ ઉંડો ઉરમાં ધર્યો છે સાચે ! પ
“હું ચન્દ્ર ! રજનિ, તું રજનિ ! જીવ હું, તું જ જેમ પરલોક;
“ તુજ તિમિરવીશે તરીજોઈશ-“ઉભો તુજ સમો ક્યાં જ પરલોક?” ૬
“તોડી જ સજડ આ બન્ધ,
“હું જોઈશ, રજનિ, તુજ ફન્દ !
"મુજ નવો થશે અવતાર !
“નવું તેજ પ્રકટશે અાંખ !
“મુજ સરવા થાશે કાન !
“ શુણી શકીશ હું યમનું ગાન !