પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૯

યજ્ઞોને માટે એકજ સમારંભ માંડે છે, અને તેનું દૃષ્ટાન્ત જોવું હોય તો, નવીનચંદ્રજી, ચંદ્રાવલીમૈયા અને વિહારપુરીના મહાસમારંભની જવાલાઓનું અદ્વૈત પ્રત્યક્ષ કરો.”

દમ્પતી ગુરુજીના મુખની સ્તુતિથી લજજાવશ થઈ નીચું જોઈ રહ્યાં.

વિષ્ણુ૦– “હૃદયનું અદ્વૈત, પ્રીતિની સૂક્ષ્મતા, અને ધર્મસહચારની સંપૂર્ણતા, એ ત્રણના સાધનથી દમ્પતી પરસ્પર આપ્યાયન[૧]ને માટે જે યજ્ઞ રચે છે તેને અમે પ્રીતિયજ્ઞ કહીયે છીએ. બાકીના સર્વ મનુષ્યયજ્ઞને અતિથિયજ્ઞ[૨] કહીયે છીયે તેનું સામાન્ય લક્ષણ એ કે એ યજ્ઞના ધર્મનું તારતમ્ય યજમાન અને અતિથિના પરસ્પર ધર્મમાંથી જ જડે છે. આ યજ્ઞોમાં અતિથિ આકારક, આગન્તુક કે આમન્ત્રિત હોય છે. આકારક અતિથિનું આતિથેય[૩] આયુષ્ય પ્હોંચે ત્યાં સુધી પ્હોચે છે; માતાપિતાનાં, માતૃભૂમિનાં, અને લોકનાં કલ્યાણમાંથી નિવૃત્ત થવાતું નથી. માતાપિતા પુત્રને સંન્યસ્તની અનુમતિ આપી પોતાના આતિથેયમાંથી મુક્ત કરે, પણ લોકકલ્યાણના ધર્મમાં તે અનુમતિ આપનાર હોતું જ નથી અને સંન્યાસીથી પણ તેનો ત્યાગ થાય એમ નથી તે તમને કહ્યું છે. આગન્તુક અતિથિનું આતિથેય તેની તૃપ્તિથી સમાપ્ત થાય છે, તેની યોગ્યતાથી અવચ્છિન્ન[૪] જ થાય છે, તેના નિર્ગમનથી[૫] નિવૃત્ત થાય છે, અને તેની સાધુતાથી સાધ્ય થાય છે. તેની તૃપ્તિ જાતે જ અસંભાવ્ય હોય તો તેની સંભાવના પ્રાપ્ત થતી નથી. તેની યોગ્યતા હોય નહી તો તેનું આતિથેય જ પ્રાપ્ત થતું નથી. તેની સાધુતામાં ન્યૂનતા હોય તેટલું તેનું આતિથેય પણ અસાધ્ય છે. સંસારી જનોનાં ધર્મશાસ્ત્રમાં પાત્રાપાત્ર અતિથિની વ્યવસ્થા એક જાતની છે; સાધુજનોમાં પાત્રાપાત્રવિવેક અન્ય રીતનો છે. સર્વ મનુષ્યોનું સર્વ પ્રકારે આતિથેય થવું અશક્ય છે માટે પંચયજ્ઞ સાધવાની શક્તિવૃત્તિવાળાને જ પાત્ર ગણવો એવી મર્યાદા છે. તેવાના આતિથેયથી યજ્ઞવિભૂતિવધે છે ને લોકકલ્યાણ સંવૃદ્ધ થાય છે."


  1. ૧.પરસ્પરનું પોષણ-તર્પણ–यदा वै मिथुनौ समागच्छत आपयती वै तावन्योन्यस्य कामम् ॥ છાન્દોગ્ય.
  2. ૨. અતિથિની તૃપ્તિમાટેના યજ્ઞ
  3. ૩. મેમાનગીરી ખાત૨.
  4. ૪. અવચ્છેદવાળું, હદવાળું.
  5. ૫. બ્હાર નીકળી જવું.