પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૦


[૧]"यत्किंचिदपि दातव्यं याचितेनान सूयया ।
"उत्पत्स्यते हि तत्पात्रं यत्तारयति सर्वतः।।

“સંસારી જનોને માટે સંસ્કારી દ્વિજોને જ પાત્ર અતિથિ ગણેલા છે. સાધુજનો તેમનો તેમ વ્રાત્ય[૨] જનોનો સર્વનો સત્કાર કરે છે. વિદ્વત્તા અને સાધુતા એ ઉભય સાધુઓના આતિથેયને માટે યોગ્યતા આપે છે. આકારક અને આમન્ત્રિત અતિથિને માટે આવી મર્યાદા નથી, અને અદ્વૈતભાવક્ દમ્પતી તો પરસ્પરનાં અતિથિ નથી માટે તેમને મર્યાદા પ્રાપ્ત થતી નથી. સંબંધકાળથી અતિથિ જીવનમાં કે મરણકાળે છુટાં પડવાનો સંકલ્પ રાખે છે માટે જ તે અતિથિ છે.

"[૩]अनित्यं हि स्थितो यस्मात्तस्मादतिथिरुच्यते ।।

“પિતાપુત્રાદિ સર્વ સંબંધમાં, સૂક્ષ્મ શરીરોના સંયોગ થતા નથી અને થાય છે તો અનિત્ય અને અપૂર્ણ હોય છે, અને સ્થૂલ શરીરના સંબંધ તો નિત્ય હતા જ નથી. માટે આ સર્વ સંયોગમાં અતિથિભાવ છે. સાધુજનોના પ્રીતિયજ્ઞનું મૂળ સૂક્ષ્મશરીરના અદ્વૈતમૂલક હોય છે અને સ્થૂલ શરીરને અભાવે પણ એ અદ્વૈત રાખવાનો સંકલ્પ મનોગત હોય છે માટે તેમાં આતિથેય આવતું નથી. સંસારી જનોમાં કન્યાદાનાદિ વિધિથી સંવનન વિના માત્ર સ્થૂલ શરીરોનો જ વિવાહ થાય છે ત્યાં તે અદ્વૈત નહીં પણ અનિત્ય આતિથેય જ છે. એવા આતિથેયમાંથી પ્રારબ્ધ કર્મને યોગે સૂક્ષ્મ પ્રીતિ અને અદ્વૈત-સંકલ્પ ઉભય પક્ષમાં થાય ને તે પ્રમાણે અદ્વૈત થાય તો આતિથેયધર્મ સમાપ્ત થાય ને પ્રીતિયજ્ઞ જ બાકી ર્‌હે. પણ તેમ ન થાય તો તે આતિથેય જ પ્રાપ્ત થાય. સંસારમાં કન્યાઓનું લગ્ન તેમની અજ્ઞાનાવસ્થામાં થાય છે અને વર ક્‌વચિત્ અજ્ઞાન અને ક્‌વચિત્ યોગ્ય વયના હોય છે. યોગ્ય વયના વરે કન્યાને આમન્ત્રિત અતિથિ ગણવી ધર્મ્ય છે. અજ્ઞાન દશાવાળા વરે કન્યાને આકારક અતિથિ ગણવાની છે. સર્વ કન્યાઓએ વરને આકારક અતિથી ગણવાના છે. આ સંબંધમાં પરસ્પર ધર્મસહચાર અને પરસ્પર ત્યાગના ધર્મ આકારક આમન્ત્રિત આતિથેયના શાસ્ત્ર પ્રમાણે


  1. ૧. જેની યાચના થઈ છે તેણે અસૂયા વિના જે કાંઈ બને તે કંઈ પણ આપવું; કારણ એ દાનથી એવું કોઈ પાત્ર જન ઉત્પન્ન થશે કે જે સર્વ પાસથી તારશે. મનુ.
  2. ૨. દ્વિજ સંસ્કાર જેનો બાકી હોય એવા બ્રહ્મચારી.
  3. ૩.અતિથિ એટલા માટે કે તેની સ્થિતિ જ અનિત્ય છે. મનુ.