પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૩


[૧]त्यजेदेकं कुल्स्यार्थे ग्रामस्यार्थे कुलं ज्यजे‌त् ।
ग्रामं जनपदस्यार्थे ह्यात्मार्थे पॄथिवीं त्यजेत् ॥

“સંસારી જનોમાં જેમ આત્મશરીરને અર્થે પૃથ્વીનો ત્યાગ કરવો શિષ્ટ છે તેમ સાધુજનોમાં મઠયજ્ઞને અર્થે સર્વ iતર યજ્ઞનો ત્યાગ આવશ્યક હોય તો તે ધર્મ્ય ગણાય છે; કારણ મઠ વગર સાધુજનો જ નષ્ટ થાય. સકામધર્મ પાળનાર સંસારીયોને અધર્મથી કે ક્ષુદ્ર અાશયથી નહી પણ સર્વ કામ અને ધર્મને માટે શરીરની આવશ્યકતા છે માટે જ તેનું પ્રથમ રક્ષણ ઉક્ત પ્રકારે યોગ્ય છે. આપણે ત્યાં તે તેનો રક્ષણવિધિ વેદીપશુવર્ધનમાં આવી ગયો."

“મનુષ્યયજ્ઞોમાં એવો પ્રસંગ આવે કે એક યજ્ઞવિધિ સાથે અન્ય યજ્ઞવિધિનો વિરોધ આવે ત્યારે શું કરવું ? પ્રીતિયજ્ઞ, આકારક અતિથિયજ્ઞ, આમન્ત્રિતઅતિથિયજ્ઞ, અને આગન્તુકઅતિથિયજ્ઞ એટલા મનુષ્યયજ્ઞ તમને કહ્યા. પ્રીતિયજ્ઞમાં તો દમ્પતીનો અદ્વૈતભાવે યજ્ઞમાં ધર્મસહચાર છે તો કોઈ પણ યજ્ઞમાં પ્રવૃત્ત થવું ન થવું એ ઉભય દમ્પતીની સંયુકત વાસનાથી જ થવાનું; માટે આ યજ્ઞને બીજા યજ્ઞ સાથેનો વિરોધ કહીએ તો वदतो व्याघात થાય. પ્રીતિયજ્ઞનાં યજમાન દમ્પતીનાં સૂક્ષ્મ શરીરના અમરયેાગનો નાશ તો બ્રહ્મા પણ કરી શકે એમ નથી અને દમ્પતી જાતે પણ કરી શકે એમ નથી. એમને તો માત્ર સ્થૂલ શરીરનો વિયોગ કરવા કાળ આવે ને કોઈ મહાયજ્ઞને માટે તેમ કરવું યોગ્ય લાગે તો ઉભયની અદ્વૈત ઈચ્છાથી તેમ કરતાં કાંઈ બાધ નથી. આવાં દમ્પતીનું તો સર્વત્ર યજમાનત્વ અદ્વૈતરૂપે છે. માટે જ કહ્યું છે કે पश्चाद्गृहपतिः पत्नी च [૨] ॥ જે યજ્ઞ યજમાનના એક અર્ધાંગને ઇષ્ટ હોય તે બીજા અર્ધાંગને પણ હોય જ. માટે જ યજ્ઞને અંતે पश्चात् ગૃહપતિ અને પત્નીને એક વાક્યથી સ્મર્યાં. એટલુંજ નહીં પણ દમ્પતીના શુદ્ધાદ્વૈતના અધિકારથી સીતામાતાના સ્થૂલ શરીરને શ્રીરામચંદ્રે પ્રજા લોકના કલ્યાણને અર્થે વિવાસન આપ્યું અને તે માટે સીતામાતાએ એમનો દોષ ક્‌હાડ્યો નથી. એ પ્રીતિયજ્ઞના અદ્વૈતનું પરમદૃષ્ટાંત છે. ચંદ્રાવલી મૈયાનું એવું જ દૃષ્ટાંત તો તમને પ્રત્યક્ષ છે.


  1. ૧. કુળને અર્થે એક કુટુમ્બીને ત્યજવો, ગ્રામને માટે કુળ ત્યજવું લોકનેમાટે ગ્રામ ત્યજવું, ને આત્માને એટલે પોતાને માટે પૃથ્વીને ત્યજવી.( પ્રકીર્ણ.)
  2. ૨. પારસ્કકર ગૃહ્ય સૂત્ર.