પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૪


“પણ પ્રીતિયજ્ઞ વિનાના અતિથિરૂપ પતિપત્નીનાં દ્વૈત છે. માટે તેમને માટે આવો અદ્વૈત આચાર થતો જ નથી. આવાં પતિપત્નીએ તો પરસ્પર દ્વૈત સ્વીકારી એક બીજાનું આતિથેય કરવાનું પ્રાપ્ત થાય છે. દૈવવશાત્ અથવા કર્મપાકવશાત્ એવા પણ પ્રસંગ આવે છે કે સંવનનપરિશીલનમાં કાંઈ અશુદ્ધિ કે અસિદ્ધિ કે અન્ય દોષ રહી જવાથી દમ્પતીના અદ્વૈતભાવમાં વિઘ્ન આવે છે. આવાં દમ્પતી પણ અદ્વૈતમાંથી સ્ખલિત થઈ ૫રસ્પર-અતિથિ રૂપ થઈ જાય છે ને તેમને શિર અતિથિધર્મ આવે છે.

“ખરેખરું ધર્મસંઘટ્ટન તો અતિથિયજ્ઞમાં આવે એમ છે અને સંસારીજનોના ગુંચવારા તેમાં જ આવે છે. લક્ષ્યધર્મસંગ્રહમાં તો સાધુજનો માટે સ્પષ્ટ તારતમ્ય ક્‌હાડેલું છે. આકારક અને આમન્ત્રિત અતિથિયોની યોગ્યતા કે અયોગ્યતા જોવાનો પ્રસંગ નથી. જેને આપણે જ્ઞાતાજ્ઞાત કર્મબળે આમન્ત્રણ કર્યું તેને પાછળથી ક્‌હેવું કે તું અયોગ્ય છે માટે ત્હારું આમન્ત્રણ નિષ્ફળ કરું છું ને તું ત્હારે માર્ગે પાછો જા - એ ઉચ્ચાર અધર્મ્ય છે. પુત્રરૂપે કે પત્નીરૂપે આમન્ત્રિત અતિથિનો સર્વથા નિર્વાહ કરવો એ જ ધર્મ છે. પુત્રનું આમન્ત્રણ કર્યું તેનાં પશુવેદીને યજ્ઞસમર્થ કર્યા પછી તે આમન્ત્રિત અતિથિ મટી જઈ કેવળ આગન્તુક અતિથિ થાય છે ને તે પછી તેની યોગ્યાયોગ્યતાના વિચાર નિર્દોષ છે. આમન્ત્રિત પત્નીનું આતિથેય તે તેની સંમતિવિના બંધ ન જ થાય. આકારક અને આગન્તુક અતિથિનો સત્કાર કરવા માટે પણ આમન્ત્રિત અતિથિના સત્કારમાં ન્યૂનતા રાખવી એ મહાન્ અધર્મ છે; તેના તો નિર્વાહમાં જ ધર્મ છે."

“આકારક પિતામાતાદિનો પુત્ર પ્રથમ અતિથિ થાય છે ને તે પછી પુત્ર યજ્ઞસમર્થ થાય ત્યારે તે પિતૃયજ્ઞ કરી શકે છે. માતાપિતાની અશરણ અવસ્થામાં તો પિતૃયજ્ઞ આવશ્યક અને અત્યાજ્ય છે. પણ અન્ય કાલે તેમ નથી. માતાપિતા સામાન્ય રીતે પુત્રના મન્દિરમાં અતિથિ નથી, પણ પુત્ર માતાપિતાના મન્દિરમાં અતિથિ છે. આતિથેયધર્મમાંથી યજમાન મુક્ત થતો નથી, પણ અતિથિ યજમાનમંદિરનો ત્યાગ કરવા સ્વતંત્ર છે. માટે આવે અન્ય કાળે પિતૃયજ્ઞ અન્ય યજ્ઞોને પ્રતિકૂલ થાય તો પુત્ર યજમાનના મન્દિરમાંથી પ્રવ્રજિત થાય તે નિર્દોષ છે, પણ તે પ્રવજ્યા આવા કોઈ યજ્ઞને અર્થે જ હોવી જોઈએ. અન્ય યજ્ઞના કાર્યની અપેક્ષા ન હોય તો પિતૃયજ્ઞ અત્યાજ્ય છે."