પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૧


“ કાળ સર્વકળાથી સ્વીકારતો નથી. પણ સનાતન ધર્મનું લક્ષણ મનુએ જ કહેલું છે કે–

“विद्वद्भिः सेवितः सद्भिर्नित्यमद्देषरागिभिः ।
"हृदयेनाभ्यनुज्ञातो यो धर्मस्तं निबोधत ॥

“આમાં દેશકાળની તો શું પણ વેદવિધિની પણ મર્યાદા રાખી નથી. વિદ્વાન અને રાગદ્વેષહીન સાધુજન જે ધર્મને કેવળ બોધ જ કરે છે એટલું નહી પણ જે ધર્મનું નિત્ય જાતે સેવન કરે છે તે જ ધર્મ શ્રેષ્ઠ કહ્યો. એ એવા સાધુજન તો મ્લેચ્છ કે શુદ્રાદિમાં પણ હોય છે અને તેવા સાધુજન જેનું નિત્ય સેવન કરે તે ધર્મ – એ ધર્મને કોઈ શાસ્ત્રની અનુજ્ઞા પણ જોઈતી નથી. ધર્મવિચારક જો જાતે ઉક્તપ્રકારનો સાધુજન હોય તો આવા આચારને પોતાના હૃદયની અનુજ્ઞા છે કે નહી એટલું જ પુછવાનું તેને ર્‌હે છે, અને તે અનુજ્ઞા મળે તે પછી કશાની અપેક્ષા નથી. ચતુર્થાશ્રમીને માટે મનુએ જે વિધિ અને શાસ્ત્ર દર્શાવ્યાં છે તે જ આવા સાધુજને સેવવાનાં છે તે એ કે –

[૧]"दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं जलं पिवेत् ।
"सत्यपूतां वदेद्वाचं मनः पूतं समाचरेत् ॥

“સાધુજનોનાં મન-હૃદય સ્વયં પવિત્ર હોય છે અને તેમાં થઈને જે વિચાર અને ક્રિયાઓ નીકળે તેમની મલિનતા એમનાં મનના સ્પર્શથી જ સજાઈ પ્રથમથી મળ પેઠે નીકળી ગયલી હોય છે. પાણી, ભસ્મ, અગ્નિ આદિથી જેમ વાસણને પવિત્ર કરીએ તેમ એમના મન વડે જ વિચાર અને આચાર પવિત્ર થાય છે. આવી રીતે મનઃપૂત આચરણને જ સાધુજનો હૃદયથી અનુમત કરે છે. પ્રથમ ઉક્ત પ્રકારના સાધુજનો જે આચરણનું નિત્ય સેવન કરતા હોય અને જેને કોઈ સાધુએ પોતે મનઃપૂત કરેલું હોય એવું આચરણ તે જ ધર્મ છે અને તે વિનાના ધર્મો શાસ્ત્રોમાં લખ્યા હોય તો પણ તે માત્ર સૂચનારૂપ ગણવાના છે; કારણ સાધુજનને આજ્ઞા કરવાનો અધિકાર તેના મન વિના બીજા કોઈને નથી."

“સાધુજનો વિહારમઠમાં હોય છે તો પણ ત્યાગી છે, ત્યાગી હોય તોપણ તેને શિર પંચમહાયજ્ઞના ધર્મ છે. ત્રસરેણુક જીવનથી વિહારમઠમાં


  1. દૃષ્ટિથી શુદ્ધિ કરી પગ મુકવો, વસ્ત્રથી શુદ્ધ કરી જળ પીવું, સત્યથી શુદ્ધ કરી વાણી ઉચ્ચારવી, અને મનથી શુદ્ધ કરી આચરણ આચરવું.– મનુ.