પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૭


“આ ઋદ્ધિથી સમૃદ્ધિ થયલા ઋષિઓ પાસેથી યજ્ઞવિધિ જાણી લેઈ શ્રીરામચંદ્રજીએ સૂક્ષ્મ ધર્મોથી સંભૃત કરેલો પિતૃયજ્ઞ કર્યો, અને સીતાને માટે પ્રીતિયજ્ઞ કરવા તેને વનમાં સાથે લેઈ ગયા અને રાક્ષસરાજ સાથે યુદ્ધ કર્યાં. દશરથજીનું વચન સત્યપ્રતિજ્ઞ કર્યું. કૌશલ્યાને સાથે આવતાં રોક્યાં ત્યારે સીતાને સાથે લીધાં. અને એ જ સીતાને પ્રીતિયજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યાં આકારક અતિથિરૂપ સ્વપ્રજા તેની તૃપ્તિને માટે માતૃભૂમિયજ્ઞ કરી પોતાના અર્ધાંગ સીતાને અદ્વૈતપ્રીતિના અધિકારથી તેમાં હોમ્યાંને તેમને વનવાસ આપ્યો. તે પછી કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણપરમાત્માએ અનેક મહાયજ્ઞ કર્યા. પિતામાતાને માટે પરાક્રમ કરી તેમને રાજ્ય આપી પિતૃયજ્ઞ કર્યો. મધુપુરીને દુષ્ટ અસુરોના ત્રાસમાંથી મુક્ત કરી સ્વભૂમિયજ્ઞ કર્યો. પાંડવોને વિજય આપી લોકનું કલ્યાણ કરી લોકયજ્ઞ કર્યો. અર્જુનને અનેક વિદ્યાઓ અનેક સ્થાનમાંથી અપાવી તેની પાસે વિદ્યાયજ્ઞ કરાવ્યા. અર્જુનને વૈરાટ સ્વરૂપ પ્રત્યક્ષ કરાવી ઋતયજ્ઞ કર્યો અને ગીતા ઉપદેશી સત્યયજ્ઞ કર્યો. આમન્ત્રિત પત્નીયજ્ઞ તો અનેક નારીઓના એ સ્વામીને ત્યાં નિત્ય થતો. તે પછી બુદ્ધાવતારે દયાયજ્ઞની જ્વાલાઓ સર્વ ભૂતળમાં સર્વ ભૂતોને માટે પ્રવર્તાવી. વિષ્ણુપરમાત્માના જે જે અવતારમાં મનુષ્યયજ્ઞ થયા તે તે અવતારમાં મહાલક્ષ્મી સાથે જ અવતરતાં, અને જન્મેજન્મ એ ઉભયનો પ્રીતિયજ્ઞ અદ્વૈતરૂપે જ્વલમાન થતો. સર્વને અંતે વિષ્ણુનું કાર્ય સમાપ્ત થતાં, સંહારકર્મથી સંસાર શ્મશાનરૂપ થતાં, તે શ્મશાનમાં શિવરૂપ પરમાત્મા એકાંતે અલક્ષ્ય સત્ય જે બ્રહ્મ તેમાં સમાધિસ્થ થઈ પરમ બ્રહ્મયજ્ઞ સાધે છે. એ સર્વ યજ્ઞોમાં યજ્ઞોની વિશ્વવ્યાપિની જ્વાલાઓરૂપે મહાશક્તિ આ ત્રણે દેવોની સાથે ધર્મસહચાર કરે છે, બ્રહ્મા સાથે વિધાત્રી કૃત્ય કરે છે, વિષ્ણુ સાથે મહાલક્ષ્મી કૃત્ય કરેછે, અને શંકર સાથે ચંડી કૃત્ય કરે છે."

“વિશ્વરૂપમાં આ પુરુષયજ્ઞ મચી રહ્યો છે. તેમાંથી સાધુજનો દૃષ્ટાંત લે છે અને પોતાના ઇષ્ટ યજ્ઞ શક્તિ અને સ્થિતિ પ્રમાણે સાધે છે. લક્ષ્યપરમાત્માના પદનખમાંથી નીકળતી સંસારગંગાના પ્રવાહમાં કોઈ જીવની સ્થિતિ મૂળ આગળ, તો કોઈની મુખ આગળ હોય છે; કોઈની સ્થિતિ પ્રવાહને તળીયે હોય છે તો બીજાની મધ્યભાગમાં હોય છે અને ત્રીજાની સ્થિતિ પ્રવાહના તરંગના શિરોભાગ ઉપર હોય છે. આ પ્રવાહના જે ભાગમાં જે જીવ પોતાની સ્થિતિ જુવે તે ભાગની