પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬


"વિધાચતુરભાઈને ઈશ્વરે આપેલો વૈભવ એક મહાપવિત્ર સમારમ્ભ પાછળ ખરચાય છે, ગુણસુંદરી બ્હેન, આપના ગૃહપતિએ આવી ઉદાર આજ્ઞા કરી અને આપના જેવાં પવિત્ર આર્યા એ આજ્ઞાને આવી ચતુરતાથી પાળે છે ને તેનું આ ફળ હું જોઉં છું તેથી પળવાર મ્હારા મિત્રની દેશભક્તિનો એક અભિલાષ સિદ્ધ થવા જાય છે અને મને તેનો આનંદ થાયછે. – કુસુમબ્હેન, તમારાં ચિત્ર બતાવો.”

કુસુમસુંદરીએ પોતાની સુકટની સુગંધિત સુંદર પેટી ઉઘાડી. એને મુખમલની રાતી ગાદીથી ભરેલી હતી, પતિની સ્તુતિ સાંભળી પ્રફુલ્લ થયેલી માતાના હાથમાં પુત્રીએ એક ચિત્ર મુક્યું, અને તે ઊપર દૃષ્ટિ ઠારી ગુણસુંદરીએ ચંદ્રકાંતના હાથમાં મુકયું.

ઈંગ્રેજ અધિકારીઓની સ્ત્રીઓને ગુણસુંદરી ક્વચિત મળતી, અને તેમની પાસેથી કુસુમ દિગ્દર્શક ચિત્ર – Perspective drawing –ના સાધારણ નિયમો શીખી હતી, અને અનુકરણ અને કલ્પનાશક્તિના આશ્રયથી એની કળા કંઈક વધી હતી.

પ્રથમ ચિત્ર એક મ્હોટા જાડા ચિત્રપટને યોગ્ય પત્ર ઉપર ક્‌હાડેલું હતું. આ ચિત્રપટના બે ભાગ પાડેલા હતા. ઉપલા ભાગમાં વાદળાં, નદીઓ, નદી મુખે સમુદ્ર, દ્રવ્યવાન મનુષ્યોના ઘોડાઓ અને ગાડીઓ, સેનાઓની છાયા, ઈત્યાદિ પદાર્થ સૂક્ષ્મ માપથી ક્‌હાડેલા હતા, અને સૂર્યનું પ્રબળ તેજ તેમની ઉપર પડતું ચિત્રેલું હતું. એ ભાગની નીચે પૃથ્વીના એક ગોલાર્ધની વર્તુલ રેખા પટના એક ખુણાથી બીજા ખુણસુધી ક્‌હાડી હતી. એ રેખાની નીચે રાત્રિના અંધકારની કાળી છાયા ક્‌હાડી હતી. એ છાયા વચ્ચે કાળું વસ્ત્ર પ્હેરી, વર્તુલરેખાને ઉંચી કરતી સ્ત્રી “રજનિ” ચિત્રી હતી. તે પોતાના વસ્ત્રનું સોડીયું વાળી ઉભી થવા પ્રયત્ન કરતી હતી, તેના શિરના કેશ રેખાને ચીરી ઉપર નીકળતા હતા, અને ચારે પાસની સૃષ્ટિને મ્હોટા કિરણ–પરિવેશ (Halo) વચ્ચે સમાવતી હતી.

ચંદ્રકાંત આ ચિત્ર આંખો પ્હોળી કરી જોઈ રહ્યો અને લાવણીનો પ્રથમ ભાગ વાંચવા લાગ્યો.

"ચંદ્રકાંતભાઈ, આ રેખાના ઉપલા ભાગમાં બધે કોલાહલ છે – સૃષ્ટિના મ્હોટા પ્રવાહ અને સૂર્યનો પ્રકાશ છે. રેખાની નીચે રાત્રિ છે. તે સોડીયું વાળે છે, અને વચલી રેખાને ફોડી એના વાળ, બ્હાર, ઉગી નીકળે છે. આ કેશ રેખા ઉપર ઉગે છે ત્યાં તેજવાળું રૂપ ધારે છે. રેખા ઉપર પણ એક રીતે તો રાત્રિ જ છે. પણ આ રાત્રિના વાળના પ્રકાશથી સર્વ પ્રકાશે છે