પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૮

અપેક્ષા પ્રમાણે તે જીવના ધર્મ રચાય છે, અને આ ધર્મ પ્રમાણેના યજ્ઞ એ જીવને પ્રાપ્ત થાય છે. આ ધર્મવિશેષને પ્રવાહપતિત ધર્મ કહ્યો છે ને યજ્ઞવિશેષને પ્રવાહોત્થ યજ્ઞ કહ્યા છે. નવીનચંદ્રજી, દૃષ્ટાંત સહિત તમને લક્ષ્ય ધર્મના આ મર્મભોગ કહ્યા, શેષ મૂળ ગ્રન્થમાંથી લેઈ શકશો, અને તમારા પ્રવાહપતિત ધર્મ અને પ્રવાહોત્થ યજ્ઞ તમારે જાતે જ શોધી લેવાના છે. આપણા મહાયજ્ઞ એ જ આપણા ધર્મ અને એજ આપણું પ્રાયશ્ચિત્ત; તેમાંથી તમારે માટે શાનું ગ્રહણ કરવું તે પ્રશ્નનો ઉત્તર તમે તમારા પોતાની હૃદયશુદ્ધિને બળે મનઃપૂત કરી લેજો. ચિરંજીવશૃંગ તમારાં સ્થૂલસૂક્ષ્મ શરીરમાંનાં વેદીપશુરૂપ ઉત્તમાવયવોનું ઉત્તમયજ્ઞ માટે આપ્યાયન કરશે. आप्यायन्तु ममाङ्गानि એ મન્ત્ર તો તમે નિત્ય સાંભળો છો. વેદી અને પશુના આપ્યાયનની સમાપ્તિ જે યજ્ઞચર્યાનું કારણ છે તે ચર્યા તમને પ્રાપ્ત હો ! નવીનચંદ્રજી, આ જ યજ્ઞચર્યા, એ જ બ્રહ્મચર્યા, આ જ ધર્મચર્યા, અને આ જ ઉત્તમ ભદ્ર છે. એ જ ઋત છે, એ જ સત્ય છે, એ જ સંપ્રસાદ છે, એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે, એ જ અદ્વૈત સેતુ છે, એ જ આપણે પામીયે છીયે.

[૧]अथ य एथ संप्रसादोऽस्माच्छरारात्समुत्थाय परं ज्योतिरुपसंपद्य स्वेन रुपेणाभिनिष्पद्यत एष आत्मेति होवाचेदममृतमभयमेतद्रह्मोति तस्य ह वा एतस्य ब्रह्मणो नाम सत्यमिति ॥

"अथ य आत्मा स सेतुर्विधृतिरेषां लोकानामसंभेदाय नत्ं सेतुमहोरात्रे तरतो न जरा न मृत्युर्न शोको न सुकृतं न दुष्कृतं सर्वे पाप्मानोऽतो निर्वन्तेऽपहतपाप्मा ह्येष ब्रह्मलोकः ॥


  1. ૧*હવે જે આ સંપ્રસાદ નામનો જીવાત્મા આ શરીરમાંથી ઉત્થાન, પામી, પરમ જ્યોતિને પ્રાપ્ત થઈ, પોતાના રૂપને પામે છે. તે આત્મા એમ તેણે કહ્યું. વળી કહ્યું કે અમૃત તે એ, અભય તે એ, બ્રહ્મ તે એ, અને એ બ્રહ્મનું નામ સત્ય છે. હવે આ સર્વ લોકનો નાશ થાય નહી, માટે તેમને અર્થે આધારભૂત પુલ છે, જે આ આત્મા તે એ પુલ છે, આધાર છે. લેાક જેને રાત્રિ દિવસ ક્‌હે છે તે દ્વન્દ્વ આ પુલ સુધી પ્હોંચી શકતું નથી, વૃદ્ધાવસ્થા પણ ત્યાં સુધી પ્હોંચતી નથી, તેમજ મૃત્યુ કે શોક કે સુકૃત કે દુષ્કૃત આ પુલને પામતાં નથી. સર્વ પાપ આ પુલ આગળથી પાછાં હઠે છે, કારણ બ્રહ્મ લોકમાં પાપનોને નાશ જ છે. આ લોકને જેઓ બ્રહ્મચર્યથી શેાધે છે તેમનો જ બ્રહ્મલોક થાય છે ને તેમનો જ કામચાર થાયછે. હવે લોક જેને યજ્ઞ કહે છે તે આ બ્રહ્મચર્ય જ છે ને જે જ્ઞાતા છે, તે તને બ્રહ્મચર્ય વડેજ પ્રાપ્ત કરે છે. લોક જેને ઇષ્ટિ ક્‌હે છે તે આ બ્રહ્મચર્ય જ બ્રહ્મચર્યથીજ ઇષ્ટિ કરી જ્ઞાતા આત્માને પામે છે. અનેક યજમાનો મળી સતવસ્તુ ત્રાણ કરવા યજ્ઞ કરે છે તે યજ્ઞનું નામ સત્રાયણ કહેવાય છે – હવે લોક જેને સત્રાયણ ક્‌હે છે તે આ બ્રહ્મચર્ય જ છે. બ્રહ્મચર્ય વડે જ સદ્વતુ જે આત્મા છે તેનું જ્ઞાતા ત્રાણ કરે છે. વળી લોક જેને મૈાન ક્‌હે છે તે પણ બ્રહ્મચર્ય જ છે. બ્રહ્મચર્ય વડે જ જાણી લીધેલા આત્માનું જ્ઞાતા ધ્યાન ધરે છે – છાન્દોગ્ય ઉપનિષદ્.